હળવદ તાલુકાના સાપકડા ગામે ગત મોડી રાત્રીના સમયે કોઈ જંગલી જાનવર ચડી આવતા વાડામાં રહેલ ૪૪ જેટલા ઘેટાના મોત થયા હતા અને ૧૫ થી વધુ ઘેટાં ઈજાગ્રસ્ત થયા હતા.
જે બનાવની વિગત મુજબ જોઈએ તો હળવદના સાપકડા ગામે રહેતા નાનજીભાઈ ભોજાભાઈ ના વાડામાં ગત મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા જંગલી જાનવરે હુમલો કરતા વાડામાં રહેલા ૬૦-૭૦ જેટલા પૈકી ૪૪ ઘેટાના મોત નિપજ્યા હતા જ્યારે ૧૫ જેટલા ઘેટાઓ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે અમુક ઘેટાઓ ના મૃતદેહ ફાડી ખાધેલી હાલતમાં હતા અને ઘેટાઓ ના ઝુંડ માં આ પ્રકારના હુમલા થી મોટા ભાગના ઘેટાઓ હેબતાઇ ને મોતને ભેટયા હતા જ્યારે બન્ધ વાડા માં રહેલા ઘેટાઓમાં નાસ ભાગ થઈ જતા ૧૫ જેટલા ઇજાગ્રસ્ત થયા છે.સાથે જ આ બનાવની જાણ થયા સાપકડા ગામના સરપંચ અને પશુ ડોકટર તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને ગયા છે અને ક્યા પ્રાણી એ હુમલો કર્યો છે તે જાણવા ફૂટ પ્રિન્ટ શોધી તપાસ કરવા સહિતની કવાયત હાથ ધરવામાં આવી છે.
જ્યારે ગ્રામજનો ના કહેવા મુજબ અજાણ્યું પ્રાણી દીપડો હોવાની શક્યતાઓ છે અને આ વાત સમગ્ર હળવદ પંથકમાં વાયુવેગે પ્રસરી જતા હાલ ગ્રામ્ય પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને ભય નું મોજું ફરી વળ્યું છે.