મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં હોલમઢ ગામ નજીક ગઈકાલે મોડી સાંજે યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો સહિત કુલ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આરોપી એજાજ ઉર્ફે અજુ હનીફભાઇ પાયકના ભાઇ સાહીલનું તા. ૧૫/૧૧/૨૦૧૯ના રોજ રાજકોટ આર.ટી.ઓ. ઓફીસ માં ખુન થયેલ હતું. તે ખુન કેસના આરોપીઓ મૃતક રાહુલ રાજેશભાઇ તથા ઇજા પામનાર નીતીન માધવજીભાઇને કોર્ટમાંથી જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. આથી, આરોપી એજાજએ પોતાના ભાઇના ખુનનો ખાર રાખી આરોપીઓ સોહીલ નુરમામદભાઈ કાબરા, નિજામ નુરમહમદ હોથી તથા અન્ય ૩ અજાણ્યા શખ્સો સાથે મળી રાહુલભાઈની હત્યાનું કાવતરૂ રચ્યું હતું. કાવતરા મુજબ ધોકા પાઇપ, છરી જેવા હથિયાર લઇ ઇનોવા કાર તથા એક્ટીવા મોટર સાયકલમાં આવી રાહુલભાઇનો ટ્રક રોડ ઉપર રોકાવ્યો હતો. અને પથ્થરથી ટ્રકના કાચ તોડી નાખી નુકશાન કર્યું હતું. ત્યારબાદ રાહુલભાઇ તથા નીતીનભાઇને ટ્રકમાંથી ખેંચી નીચે ઉતારી પાઇપ, ધોકા, છરી, પથ્થરથી માર માર્યો હતો. જેમાં નીતીનભાઇને હાથે, ૫ગે, માથામાં ઇજા થયેલ હતી. અને મૃતક રાહુલભાઇ (ઉ.વ.૨૫) દોડીને રોડ સાઇડના ખેતરમાં જતા હતા. ત્યારે આરોપીઓએ પાછળ ગયા હતા. ત્યારબાદ આરોપી એજાજ ઉર્ફે અજુ, સોહીલ નુરમામદ કાબરા તથા નીજામ નુરમહમદ હોથીએ રાહુલભાઇને છરીઓ વડે ગળાના ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ કરી હતી. તેમજ અન્ય આરોપીઓએ રાહુલભાઈને પકડી રાખ્યા હતા. આમ, રાહુલભાઈને ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજયુ હતું.