જડેશ્રવર વાકાનેરને જોડતો સજનપર રોડ પર ચાલવું પણ દુશ્વાર શ્રાવણે શિવ દર્શને લાખો ભક્તો થશે હેરાન
ટંકારા તાલુકાના ગામ્ય વિસ્તાર કે છેવાડાના વિસ્તારમાં પહોંચવું પહાડ પાર કરવા સમાન મુશ્કેલ થઈ ગયું છે. જીલ્લા પંચાયત હસ્તકના નેસડા (ખાનપર), અમરાપર, ટોળ, નેકનામ, રોહીશાળ, મેધપર ઝાલા, ખિજડીયા સહિતના ગામોના માર્ગને 3 કરોડથી વધુ રકમની ગ્રાન્ટ મળી છતા તંત્રએ નજર પણ ન કરી હોય તેમ રસ્તાઓની હાલત દયનીય છે. આવા મગરમચ્છની પીઠ સમાન રસ્તા તાત્કાલિક રીપેર કરવા માંગ ઉઠી છે.
ટંકારા તાલુકો ગત ચાર વર્ષથી અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યો છે. ત્યારે સ્વભાવિક રીતે ગામડાઓને જોડતા મજબૂત ડામર રોડ રસ્તાએ પણ જવાબ આપી દીધો છે. આ રસ્તાઓ હાલ જીર્ણ હાલતમાં હોવાથી માથાના દુઃખાવા સમાન બન્યા છે. ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ જીલ્લા પંચાયત હસ્તકના ટંકારાના ચાર રોડ રી કાર્પેટ કરવા રૂપિયા 3 કરોડથી વધુ રકમની ગ્રાન્ટ આપી હોવાની જાહેરાત કરેલી હતી પરંતુ જાહેરાતના વર્ષ પછી પણ માર્ગ વિભાગ દરકાર લેવા પણ ડોકાયુ ન હોવાથી હાલ ગામડાની પ્રજા પહાડ પાર કરી તાલુકા પંથકમાં પહોંચતા હોય એવો અનુભવ કરી રહી છે.ખાસ કરીને ટંકારાના નેસડા, ખાનપર, અમરાપર, ટોળ, રોહીશાળા, નેકનામ, લજાઈ, સજ્જનપર સહિતના ગામોના રસ્તા ચાલવા લાયક ન હોય તાત્કાલિક અસરથી રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.