હળવદ તાલુકામાં વીજ પોલ નાખતી કંપની અને ખેડૂતો વચ્ચે લાંબા સમયથી માથાકુટ ચાલી રહી છે ત્યારે આજે હળવદ તાલુકાના રણજીતગઢ સીમ વિસ્તારમાં ખેડૂતોએ વિજપોલ ઉભા કરતી કંપનીઓના ‘ પાવર’ સામે આકરા પાણીએ થઈ બળવો પોકાર્યો હતો અને પુરતું વળતર આપવા માંગ ઉઠાવી હતી. જેથી પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
હળવદ તાલુકાના રણજીતગઢ સીમ વિસ્તારમાં 765 kv dc લાકડીયા વડોદરા ટ્રાન્સમિશન નામની કંપની દ્વારા હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. જેમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં ન આવતું હોવાના અને કંપનીના જવાબદાર અધિકારીઓ મનમાની કરતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા વધુમાં હાઇકોર્ટે આપેલા જજમેન્ટ અને સરકારના જીઆરના નીયમો હેઠળ ખેડૂતોને પોતાના હક્કો આપવામાં ન આવતા હોવાની પણ રાવ ઉઠી છે. આથી ખેડૂતો જાણે લડી લેવાના મૂળમાં હોય તેમ મોટી સંખ્યામાં એકઠા થઇ હોબાળો મચાવ્યો હતો. જેને લઈને પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.