ટંકારા પંથકમાં અવારનવાર સર્જાતા વીજ ધાંધિયથી ખેડૂતોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. કપાસ સહિતના પાકને હાલ પિયતની વ્યાપક જરૂરિયાત હોય આવા ખરા ટાંકણે જ ખેતીવાડીના ફીડરમાં સતત ફોલ્ટથી અનિયમિત વીજ પુરવઠો મળતા ખેડૂતોને પાકમાં મોટાપાયે નુકશાનીની સંભાવના વર્તાઈ રહી છે. વિજ વિક્ષેપથી કંટાળી આ મામલે સરપંચો અને ખેડૂતો આકરાપાણીએ થઈ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવીને નિયમિત વીજ પુરવઠો નહિ મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ટંકારા તાલુકાના નાના રમાપર, કલ્યાણપર, નાના ખીજડિયા, મિતાણા સહિતના ગામોના સરપંચ અને ખેડૂતોએ રાજકીય અગ્રણીઓએ એક જૂથ થઈ ટંકારા પીજીવીસીએલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ટંકારા સબ ડિવિઝન પીજીવીસીએલના તમામ ખેતીવાડી ફીડરમાં ત્રીફેઇઝ પાવર અનિયમિત આવે છે. સરકાર દ્વારા નક્કી કરાયેલ દસ કલાક વીજળી ખેડૂતોને કોઈ દિવસ આપવામાં આવી નથી. દસ કલાક તો ઠીક ખેડૂતોને 8 કલાક પણ નિયમિત વીજ પુરવઠો મળતો નથી. ખેતીવાડી ફીડરોમાં ટેકનીકલ ખામીને લીધે ખેડૂતોને દરરોજ માત્ર બે કે ત્રણ કલાક જ પાવર મળે છે. કપાસ સહિતના પાકોને હાલ પુષ્કળ પાણીની જરૂરિયાત હોવા છતાં વીજ પાવરની અનિયમિતતાના પાપે પિયત થઈ શકતું નથી. એથી ખેડૂતોને નુકશાન થાય છે. જો કે ઉધોગોને 24 કલાક વીજળી મળી રહે છે. તો ખેડૂતોને અન્યાય શુ કામ ? તેથી ટંકારા તાલુકાના તમામ ખેતીવાડી ફીડરોમાં 8 કલાકનો પાવર આપવાની માંગ કરી છે. જો 8 કલાક પાવર નહિ મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
આ તકે ખેડુતો આકરા પાણીએ થતા જીઈબી કચેરી મોરબીના બાવરવા અને રાજકોટથી ડોબરીયાને ટંકારા આવવાની ફરજ પડી હતી. જે ને પગલે ટંકારા પોલીસ કાફલો પણ ધટના સ્થળે દોડી આવ્યો હતો અને આગેવાનો અને ખેડુતોની માંગણી સાંભળી તેની નિરાકરણની ખાત્રી આપી હતી.