કપાસ, મગફળી, જીરુંના મબલક ઉત્પાદનને પગલે હળવદ તાલુકો વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. તેવા સંજોગો વચ્ચે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ અને મગફળીની બમ્પર આવક થતા યાર્ડ મગફળી અને કપાસથી ઉભરાયું હતું.
અને યાર્ડમાં જગ્યા પણ ખૂટી પડી હતી.કપાસની અંદાજિત ૪૦ હજાર મણ અને ૨૦ હજાર મણ મગફળીની અંદાજીત આવક થઈ હતી.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળીની મોટાપાયે આવક થતા કપાસના ભાવ ૧૩૦૦ થી ૧૭૦૦ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે મગફળીમાં ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.
બીજી તરફ ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર કોઈ કારણોસર ખરીદીના થતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વહેલી સવારથી ખેડુતો ટ્રેકટર લઇ લાઈનમાં ઉભા રહેતા વાહનોની કતારના દ્રશ્યો સર્જાયા હતા. આ બાબતે ખરીદ કેન્દ્રના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે રોજ સો જણા ને ફોન કરે છે જેમાંથી ૨૦ જણા આવતા હોય છે આજે એકીસાથે ૭૦ ખેડૂતો આવ્યા હોવાથી અવ્યસ્થા સર્જાઈ હતી. વધુમાં ગઈકાલે ખરીદ કરેલો માલ હજી સુધી ઉપાડ્યો ન હોતો જેના કારણે આજે મોડું થયું છે ગાડી ભરાય એટલે કામગીરી શરૂ થશે જેના કારણે ખેડૂતોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને મુશ્કેલી ન પડે તેવી કામગીરી કરવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. સાથે સાથે હળવદ માર્કેટિંગ યાર્ડ માં કપાસ તથા મગફળી ની બમ્પર આવક થતાં માર્કેટિંગ યાર્ડ ની જગ્યા નાની પડતી હતી. જેથી વધુ જગ્યા ફાળવવા અંગે ખેડુતોમાં માંગ ઊઠી હતી.