ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે અને ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌરવ યાત્રા થકી ભાજપે ગુજરાતમાં વિધિવત રીતે પ્રચારની શરૂઆત કરી દીધી છે.
ત્યારે આ યાત્રા આજે મોરબી જિલ્લામાં ફરી હતી અને વાંકાનેર મોરબી થઈને હળવદ પહોંચી છે ત્યારે મોડી સાંજે હળવદ ખાતે પહોંચનારી ભાજપની ગૌરવ યાત્રા મામલે બપોરથી જ રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને લઇ કામ ધંધા સબબ જઈ રહેલા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, રેલ્વે સ્ટેશન રોડ પર રાત્રિના નવ વાગ્યા આસપાસ ગૌરવ યાત્રા આવવાની હોવાથી આજે બપોરનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. હળવદનો હાદૅ સમાન રેલવે સ્ટેશન રોડ બપોરનો બંધ કરાતા અનેક વાહન ચાલકો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમજ અગાઉથી કોઈપણ જાણ કર્યા વગર અચાનક રોડ બંધ કરતા વાહન ચાલકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.