હળવદ પોલીસની સાથે હળવદની મોડલ સ્કૂલ દ્વારા નવી પહેલ શરુ કરવામાં આવી છે. જે અંતરગત ગુડ ટચ બેડ ટચ (સારા અને ખરાબ સ્પર્શ) વિષય પર ભાર મૂકી ગુડ ટચ બેડ ટચ, સેલ્ફ અવેરનેશ, સોશિયલ અવેરનેશ, જાતીય સતામણી સહિતના વિષયો પર સેમિનાર યોજાયો હતો.
જેમાં શાળા-કોલેજો, બસ, ઓફિસ, ઘર અને અન્ય જાહેર સ્થળો પર દીકરીઓ અને મહિલાઓ કયારેક શારીરિક – માનસિક ત્રાસના ભોગ બનતા હોય છે. આવી સ્થિતિમાં તેમને શું કરવું અને કઈ રીતે આ રીતની સતામણીના ભોગ ન બનવું તે અંગે ખ્યાલ આવતો નથી. આવા શારીરિક અને માનસિક ત્રાસ આપનારા નરાધમો સામે કેવી રીતે લડત આપવી તે અંગે પણ જાગૃતતા જરૂરી છે. આ સમયે કુમળી વયની દીકરીઓ કોઇ પણ શારીરિક અને માનસિક ત્રાસના ભોગ ન બને તેમજ કેમ કરીને પોતાની જાતની સ્વયંમૂ રક્ષા કરી શકે તે ખૂબ જરૂરી છે. તે ઉપરાંત આવા પ્રકારના બનાવનો ભોગ ન બને તે માટે શું તકેદારી રાખવી, આવી ઘટના બને તો કોને જાણ કરવી જેવી બાબતોની સમજ આપવા માટે હળવદ પી.આઇ ડી એમ ઢોલના માર્ગદર્શન નીચે સેમિનાર યોજાયો હતો. જે સેમિનારમાં મોડેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓને વિવિધ જાતની માહિતી આપી સાવચેત રહેવા જણાવ્યું હતું. આ તકે હળવદ પી.આઇ ડી.એમ ઢોલ તથા મોડેલ સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.