ટંકારા ગ્રામ પંચાયતના હોલમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાણી પશ્ર્ને ભારે રોષ ફેલાયો હતો, 100 ચો.વારના પ્લોટ ફાળવવા માટે લાભાર્થીઓ પંચાયત ખાતે દોડી આવ્યા હતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ચોમાસાના વરસાદી પાણીનાં નિકાલ, ભુગર્ભ ગટર સર્વિસ રોડ અને ફૂટપાથ કરવા માટે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા પર ગામજનોએ ભાર મુકયો હતો. ગૌચરના દબાણ અને આડેધડ મનપડે ત્યા ખડકી દેવાયેલા દબાણ હટાવવા માટે લેખિત રજૂઆત કરી હતી.
આમ તો ગામસભા હોય જેની જાણ ગામ લોકોને હોતી નથી અને હોય તો પંચાયતના પગથિયા ચડવા માટે તૈયાર હોતા નથી એવામાં ગઈ કાલે ટંકારા પંચાયત મા યોજાયેલી ગામ સભામાં ભારે પશ્ર્નો અને ભીડ સાથે મોટી સંખ્યામાં નગરજનો આવ્યા હતા અને પાણીના પશ્ર્ને મારો ચલાવ્યો હતો જેની રજુઆત ને ધ્યાને લઈ પાણી વ્યવસ્થા વધુ સુદઢ બને તેની ખાત્રી આપી હતી. હમીરભાઇ ટોળીયા માલધારીએ ગૌચરની જમીન પર થયેલ દબાણ દુર કરવા લેખિતમાં રજુઆત કરી હતી. હેમાલી પરમારે સબ સેન્ટર ટંકારા-૩ની જગ્યા ફાળવવા રજુઆત કરી હતી. સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા ટંકારાના નગરનાકે સુશોભીત ગેઈટ બનાવવો તેમજ સી. સી.રોડ બનાવી નગરનાકાની શાન વધારવા લેખીત રજુઆત કરી હતી તથા ટંકારા ગામે સરકારી ખરાબાના સર્વે નંબર “૭૦૫” માં “લોક હિતે”બે હેકટર જમીન તાત્કાલિક મંજુર કરી જાહેર હરરાજીથી રાહત દરે નાના અને મધ્યમ વર્ગના લોકોને “ઘરનુ ઘર” મળી રહે તે હેતુથી ૧૦૦ ચો.વાર.ના પ્લોટ ની ફાળવણી કરી તેમાંથી થતી આવક ગ્રામ પંચાયત ના વિકાસના કામોમાં ઉપયોગી બને તેવી લેખીત માં રજુઆત કરી હતી. આ ઉપરાંત આંગણવાડીની અઠળક રજુઆતો, ગેરકાયદે ખડકાયેલા દબાણો સહિતની આજની ગ્રામસભામાં ચર્ચા કરી હતી
ગ્રામ સભામાં જીલ્લા પંચાયત આઈ સી ડી એસ વિભાગના બી. એમ.ચારોલાબેન હાજર રહ્યા હતા સુચારૂ સંચાલન ટંકારાના તલાટી કમ મંત્રી હરદેવસિંહ જાડેજાએ કર્યું હતું. સરપંચશ્રી ગોરધનભાઈ ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન ચાવડા, જિલ્લા પંચાયતનાં વિપક્ષી નેતા ભુપતભાઈ ગોધાણી, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલ, ગામ પંચાયત સદસ્ય રશમિકાંત દુબરીયા, બિલકિશબેન સ્થાનિક અગ્રણી અરજણભાઈ ઝાપડા, મેડિકલ સ્ટાફ (હોમીયોપેથી), આશા વર્કર બહેનો, આંગળવાળી બહેનો, બેંક સખી મંડળો તથા બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.