હાલ ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન જ હળવદ નર્મદા વિભાગમાં ડી ૧૯ નંબરની પેટા કેનાલ નંબર ૪થી ઓળખાતી કેનાલનું કામ શરૂ કરવામા આવ્યું છે. જેનાં કારણે કેનાલની આજુબાજુના ખેતરો અને વાડીઓમાં પાણી ભરાઈ રહ્યા છે. જેથી હળવદના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.
મળતી માહિતી અનુસાર, હળવદ નર્મદા વિભાગમાં ડી ૧૯ નંબરની પેટા કેનાલ નંબર ૪ તરીકે ઓળખાતી કેનાલનું કામ ચોમાસામાં કરવામાં આવી રહ્યું હોવાથી કેનાલની આજુબાજુના ખેતરો અને વાડીઓમાં પાણી ભરાઈ રહ્યા છે. જેનાં કારણે અંદાજિત 200 થી અઢીસો એકર જમીનમાં ઊભા પાકને મોટું નુકસાન થયું છે. જ્યારે કોન્ટ્રાક્ટર કે કેનાલના અધિકારીઓ ફોનનો જવાબ આપતા નથી અને ખેડૂતોને પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય કામ કરેલ નથી જો સમયસર પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉભો પાક બળી જવાની ખેડૂતોને બીક છે.