હળવદ નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતા અને શહેરને સ્વચ્છ રાખવા રાત દિવસ કામગીરી કરતા સફાઈ કર્મચારીઓ તેમના કાયદેસરના હક્ક હિસ્સા ન મળવા મામલે આકરાપાણીએ થયા હતા. જેને લઈ સફાઈ કામદારોના આંદોલનનો પડઘો પડ્યો છે અને એક કર્મચારીએ રાજીનામું આપ્યું તો બેને સસ્પેન્ડ કરાયા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ નગરપાલિકાએ મોરબી જિલ્લા વાલ્મિકી સમાજના પ્રમુખ તેમજ અન્ય હળવદ વાલ્મિકી સમાજના આગેવાનોને પત્ર મોકલી જણાવ્યું હતું કે, હળવદ વાલ્મિકી સફાઈ કામદારોના પ્રશ્નોનો વર્ષોથી યોગ્ય નિરાકરણ ન મળતા અને સામાજિક અસ્પૃશ્યતા બાબતે ગત તા.26/06/2023 ના રોજ હળવદ વાલ્મિકી સમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવેલ માંગણી મુજબ વિક્રમભાઈ આઈ. ગાંધી દ્વારા આપવામાં આવેલ રાજીનામુ સ્વીકાર કરવામાં આવ્યું છે. જયારે કુલદીપ ડી. બાવરવા અને પ્રતાપભાઈ જી. બારને હળવદ ચીફ ઓફિસર દ્વારા સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત કાયમી કામદારોની હળવદ નગરપાલિકાની વર્ગ-ક ની લઘુતમ મહેકમ ભરતી પ્રક્રિયા અંગે હળવદ નગરપાલિકા કચેરીએથી રાજકોટ નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરને દરખાસ્ત કરતા ત્યાંથી ગાંધીનગર ખાતે આવેલ મ્યુનિસિપાલીટીસ એસિમિનિસ્ટ્રેશન કચેરી ખાતે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. જ્યાંથી મંજૂરી મળ્યેથી આ બાબતે સરકારના નિયમોનુસાર ભરતી અંગેની કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈ હવે આંદોલન ખતમ કરી ફરી ફરજમાં જોડાવવા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે આજે આંદોલનના બારમા દિવસે હળવદ પાલિકાના ચીફ ઓફિસરના નિર્ણયથી સફાઈ કામદારો સંતુષ્ટ જોવા મળી રહ્યા છે.