સૌરાષ્ટ્ર-કચ્છમાં આગવું નામ ધરાવતા હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપની તમામ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. ઉલ્લેખનીય છે કે, હળવદ માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ સત્તા પર આવ્યું નથી અહીં વર્ષોથી ભાજપે યાર્ડને પોતાના કબ્જામાં રાખ્યું છે. જે હજુ પણ આગળ યથાવત રહેશે તે આજે સ્પષ્ટ થઇ ગયું છે.
મળતી માહિતી અનુસાર, હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલમાં 10 અને વેપારી પેનલમાં 4 મળી કુલ 14 બેઠક માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સૌ પ્રથમવાર પાર્ટીના મેન્ડેટ હેઠળ ચુંટણી પ્રક્રિયા યોજાઈ હતી. તેમજ હળવદ માર્કેટિંગયાર્ડની ચુંટણીમાં ભાજપની તમામ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. કોંગ્રેસ પ્રેરિત ખેડુત પેનલના દશેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. અને ભાજપ પ્રેરીત ખેડુત પેનલના ૧૦ ઉમેદવાર, વેપારી પેનલના ૪ ઉમેદવાર, ૧ એ.વે.સંઘનો ઉમેદવાર સહિત તમામ ૧૫ બેઠકો બિનહરીફ થઇ હતી. તેમજ ગત બોડીના ચારેય વેપારીઓને રીપીટ કરાયા છે. માર્કેટિંગ યાર્ડ ખરીદ વેચાણ સંઘના સભ્ય ભાજપ તરફથી બિનહરીફ જાહેર થયા છે. તેમજ માર્કેટિંગયાર્ડ હળવદમાં વર્ષોથી ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. ત્યારે હવે નવા ચેરમેન કોણ બનશે તેની ચર્ચાઓ ચારેકોર શરૂ થઈ ગઈ છે.