હળવદના રણજીતગઢ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બેકાબૂ કન્ટેનર ટ્રક ચાલકે રોડ સાઈડ માં ઉભેલા ત્રણ લોકોને હડફેટે લેતા બે કૌટુંબીક બહેનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જયારે ટ્રક ચાલક સહીત બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે બનાવને પગલે હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદના રણજીતગઢ નજીક ખેત મજુર પરિવાર વતનમાં જવું હોય તે માટે વાડી માલિક પાસે પૈસા લેવા ઉભા હતા. તે વેળાએ એક બેકાબૂ બનેલ કન્ટેનર ટ્રકે રોડ પર ઉભેલા વાડી માલિક સહિત ખેત મજુર પરિવારને હડફેટે લીધા હતા. જેના કારણે ખેત મજૂરી કરતા પરિવારની બે કૌટુંબીક બહેનો ૧૨ વર્ષીય સાગિયા શમિલાબેન કાળુભાઇ તથા ૯ વર્ષીય સાગીયા બીજુબેન હોનજીભાઈનુ ટ્રકના તોતિંગ વ્હીલ નીચે ચગદાઈ જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક રણજીતસિંઘ ટેરસિંઘ (રહે.અમૃતસર) અને સ્થાનિક વાડી માલિક હીરાલાલ વીરજીભાઈ દલવાડી (રહે.રણજીતગઢ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બંને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ બનાવની જાણ થતા જ હળવદ પી.એસ.આઇ. કે.એન જેઠવા, વનરાજસિંહ, દીપકસિહ, યુવરાજ સિંહ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.