હળવદમાં બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તો દ્વારા એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં ગૌભક્તોને હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમયે ગૌવંશ ફસાઈ ગયો હોવાની જાણ થતા બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તો સ્થળ પર પહોંચ્યા હતા અને ગૌવંશનું રેસ્ક્યું કરી તેનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આજરોજ હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નંદી મહારાજ ફસાઈ જતાં તે અંગે સ્થાનિકો દ્વારા યોગેશભાઈને જાણ કરવામાં આવી હતી. ત્યારે બનાવ અંગેની ગૌશાળામાં જાણ કરાતા ગૌસેવકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને નંદીનો જીવ બચાવવા માટે નિમિત્ત બન્યા હતા. અને જીવના જોખમે આ રેસ્ક્યું કરી માનવતાની ફરજ અદા કરી હતી. આ કાર્યમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ગૌસેવકો સેવા કાર્યમાં જોડાયા હતા અને ખાસ દિનેશભાઈ ભરવાડે તાત્કાલિક પોતાની ક્રેન મોકલી આપી હતી. તેમજ મોહનભાઈ ભરવાડે જીવના જોખમે કેનાલમાં ઉતરી અને નંદી મહારાજનો જીવ બચાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જીવના જોખમે ગૌસેવા કરવા માટેની ભાવના રાખતા ગૌસેવાકો રાત દિવસ જોયા વિના ગૌવંશની સેવા કરી રહ્યા છે, જેથી સત્કાર્ય કરનાર સેવાવ્રતીઓને ચોતરફથી હળવદના નાગરિકો બિરદાવી રહ્યા છે.