જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને ડાયેટ રાજકોટના માર્ગદર્શન હેઠળ ટંકારા બી.આર.સી.દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩ નું આયોજન હરબટીયાળી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના આદેશથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં વિજ્ઞાન પ્રદર્શનને “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” નામ આપવામાં આવ્યું છે. જેનો મુખ્ય વિષય “સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી” રાખવામાં આવ્યો છે તેમજ પાંચ પેટા વિભાગ અંતર્ગત વિદ્યાર્થીઓએ કૃતિઓ તૈયાર કરી હતી.
સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ સી.આર.સી.દીઠ કુલ ૫-૫ કૃતિઓ મળીને કુલ ૩૦ કૃતિઓનું પ્રદર્શન તાલુકા કક્ષાએ રજૂ કરાયું હતું. તા. ૧૬ ઓક્ટોબર ના રોજ ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ ઉર્મિલાબેન ના પ્રતિનિધિ વસંતભાઈ માંડવિયા, ઉપપ્રમુખ ચાર્મિબેન સેજપાલના પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જેમાં હરબટીયાળી ગામના સરપંચશ્રી દેવરાજભાઈ સંઘાણી, ગામ આગેવાન ગણેશભાઇ નમેરા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, શૈક્ષીક સંઘના અધ્યક્ષ ડાયાલાલ બારૈયા, મિતાણા તાલુકા શાળા આચાર્ય પ્રવિણભાઈ પારધી, સી.આર.સી. કો-ઓર્ડીનેટર, શાળના શિક્ષકો જોડાયા હતા. ડાયેટ પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ મહેતાની હાજરીમાં પ્રદર્શનનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા ઉપસ્થિત રહ્યા હતા. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરાયા હતા તેમજ માર્ગદર્શક શિક્ષકોને તેમના નામવાળી પેન આપીને સન્માનિત કરાયા હતા.