રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટે આત્મહત્યા કરી છે. કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલા સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા જય પટેલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી છે. ડૉ. જય પટેલ મૂળ ટંકારા તાલુકા ગણેશપર ગામના વતની છે અને રાજકોટમાં સિનર્જી હોસ્પીટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સુવર્ણભૂમિ કોમ્પલેક્ષમાં રહેતા સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ ડો.જય પટેલે આજરોજ બપોરના દવાનો ઓવરડોઝ લઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો હતો. આજે સવારથી ડોક્ટર જય પટેલ પ્લાન્ડ સર્જરીમાં એનેસ્થેસિયા જરૂરી હોવાથી હાજર ન રહેતા સિનર્જી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફોન કરી હોસ્પિટલ બોલાવવામાં આવી રહ્યા હતા. જો કે તેઓનો ફોન રિસીવ ન થતાં થોડીવાર બાદ કંઈક અજુગતું લાગતા સ્ટાફ દ્વારા અન્ય મુખ્ય ડોક્ટરને જાણ કરાઇ હતી. જેથી તેઓએ સ્ટાફને ઘરે જોવા જવા જાણ કરી હતી. સિનર્જીનો સ્ટાફ અહી તપાસ કરવા આવ્યો ત્યારે ડો. જય પટેલે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. તબીબના માતા-પિતા હાલ જાત્રાએ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ડૉ. જય પટેલ ટંકારા તાલુકાના ગણેશપર ગામના વતની છે તેમજ પ્રાથમિક દ્રષ્ટિ એ પારિવારિક કારણોસર આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે ડૉ.જય પટેલે સુસાઈડ કર્યું ત્યાંથી એક સુસાઈડ નોટ મળી છે જેમાં લખ્યું છે કે માતા-પિતાને નહીં પણ આ બનાવ અંગે પહેલા જીજાજીને જાણ કરજો.હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.જો કે, આપઘાતનું પાછળનું સચોટ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તબીબના પરિવારજનોની પુછતાછ કરવામાં આવશે ત્યારબાદ જ આપઘાતનું સાચુ કારણ સામે આવશે.