ટંકારાની શ્રી એમપી દોશી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે એક અનોખો અને શૈક્ષણિક કાર્યક્રમ “A SPACE JOURNEY AT YOUR SCHOOL” અને “ઉડાન: એક અંતરીક્ષ કી ઓર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ, અવકાશયાન અને બ્રહ્માંડની રોમાંચક દુનિયા વિશે ગમ્મતભરી રીતે માહિતી આપવામાં આવી હતી. જેણે તેમના જ્ઞાન અને ઉત્સાહને નવી ઊંચાઈઓ આપી હતી.
શ્રી એમ પી દોશી વિદ્યાલય, ટંકારા ખાતે વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનની રોમાંચક દુનિયાથી પરિચિત કરાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના પ્રાંગણમાં એક વિશાળ ડોમ ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને જાણે અવકાશમાં સફર કરતા હોય તેવો લાઈવ અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ ડોમની અંદર બ્રહ્માંડ, અવકાશી પદાર્થો અને અવકાશયાનની ગતિવિધિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓના કોર્સનો એક ભાગ હતી. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ દરમિયાન અવકાશ વિજ્ઞાનની રસપ્રદ માહિતી જાણી અને તેનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, રોબોટિક ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે મનોરંજનનો અનોખો સમન્વય અનુભવાયો હતો.
આ ગેમ્સે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ઉત્સાહને વધુ વેગ આપ્યો હતો. શાળાના પ્રિન્સિપાલ વિજયભાઈ કણઝારીયાએ જણાવ્યું કે, “આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓએ ટેક્સ્ટબુકની બહાર નીકળીને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવું જરૂરી છે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનની દુનિયા સાથે જોડવાનો અને તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો હતો.” આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યેની ઉત્સુકતા વધારી અને તેમને શૈક્ષણિક રીતે સમૃદ્ધ કરવાની સાથે મનોરંજનનો અનોખો અનુભવ પૂરો પાડ્યો હતો.