સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ આજે વહેલી સવારે રાજકોટ-મોરબી હાઈવે પર કુદરતનું અનોખું અને જોખમી સ્વરૂપ જોવા મળ્યું હતું. વર્ષની શરૂઆતમાં થયેલા માવઠા બાદ આજે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે જનજીવન અને ખાસ કરીને વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી.
વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય એટલું ગાઢ હતું કે રિતસર ૧૦ ફૂટ દૂરનું પણ જોવું અશક્ય બની ગયું હતું. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિઝિબિલિટી નહિવત થઈ જતાં વાહનોની લાઈટો ચાલુ રાખવા છતાં રસ્તો દેખાતો નહોતો.
માર્ગ સલામતીને સર્વોપરી ગણીને અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી ટંકારા પાસે અનેક કારચાલકોએ પોતાના વાહનો રોડની સાઈડમાં ઉભા રાખી દીધા હતા. ધુમ્મસ એટલું પ્રબળ હતું કે વાહન ચલાવવું જોખમી જણાતા અનેક લોકોએ સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી મુસાફરી ટાળી હતી.
નોંધનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં થયેલા કમોસમી વરસાદ (માવઠા) બાદ આજે શિયાળાની ઋતુએ અસલી મિજાજ બતાવ્યો હતો. હાઈવે પર જાણે સફેદ સામ્રાજ્ય સ્થપાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માત્ર હાઈવે જ નહીં, પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને ખેતરો પણ ધુમ્મસમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા.
મોડી સવારે સૂર્યપ્રકાશની તીવ્રતા વધતા ધુમ્મસ ધીરે-ધીરે ઓછું થયું હતું, ત્યારબાદ વાહનવ્યવહાર ફરી પૂર્વવત થયો હતો નુ રમેશભાઈ દલસાણીયા હિરાપર વાળાએ જણાવ્યું હતું.









