સ્વચ્છતા દ્વારા સુંદરતા અને સુવિધાજનક વાતાવરણના દૃઢ સંકલ્પ સાથે ટંકારા નગરપાલિકા શહેરીજનોને વધુ સ્વચ્છ અને સુચારૂ શહેરી જીવન આપવા માટે મોટી કવાયત હાથ ધરી છે. આ અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં વ્યાપક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં કચરા મુક્તિને લક્ષ્ય બનાવીને આગામી દિવસોમાં ખાસ એક્શન પ્લાન અમલમાં મુકવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
ચીફ ઓફિસર શ્રી ગિરીશ સરૈયા અને વહીવટદાર શ્રી પી. એન. ગોરના નેજા હેઠળ સ્વચ્છતા શાખાના અધિકારી રિનાબેન જાદવ દ્વારા હાલમાં શહેરના સફાઈ કર્મચારીઓ સાથે મળીને સક્રિય સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ હેઠળ શહેરના તમામ વિસ્તારોમાં સફાઈનું કામ તેજીથી ચાલુ છે.આગામી એક-બે અઠવાડિયામાં નગરપાલિકા દ્વારા પ્રત્યેક વોર્ડમાં સુકો અને ભીનો કચરો અલગ-અલગ એકત્ર કરવા માટે ટિપર વાન સેવા કાર્યરત કરવામાં આવશે. આ કામગીરી માટે પાલિકા પાસે 5 વાહનો, 3 ટ્રેક્ટર અને 1 જેસીબી સહિતના પૂરતા સાધનો તૈયાર છે. આ સાધનોના માધ્યમથી શહેરમાંથી ગંદકીને સંપૂર્ણપણે દૂર કરવા માટે કમર કસી લેવામાં આવી છે.નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને સહયોગ વધ્યો છે. ઘણા સજ્જન નાગરિકો પાલિકાની આ પહેલની સરાહના કરી રહ્યા છે અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા કચરો ફેંકનારા વ્યક્તિઓ વિરુદ્ધ પણ કડક પગલાં લેવાની ટીમ તૈયાર રાખવામાં આવી છે.આ અભિયાન સ્વચ્છ ભારત મિશનની ભાવના સાથે સુસંગત છે અને ટંકારા નગરપાલિકા શહેરને કચરા મુક્ત અને સુંદર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થઈને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી છે.









