ટંકારા: મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે આગામી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ આર્ય સમાજ ટંકારાના સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા ‘શતાબ્દી મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે. આર્ય સમાજ માત્ર એક સંસ્થા નથી, પરંતુ સામાજિક પરિવર્તન અને વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાનનું એક વિશાળ વૈશ્વિક આંદોલન છે.
આર્ય સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ પર એક નજર આર્ય સમાજ આજે વિશ્વભરમાં લોકતાંત્રિક પદ્ધતિથી કાર્યરત છે:
શિક્ષણનો વ્યાપ: વિશ્વભરમાં અંદાજે ૧૦,૦૦૦ આર્ય સમાજ મંદિરો અને ૨,૫૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ (ડી.એ.વી. સ્કૂલ્સ અને કોલેજો) કાર્યરત છે. સરકારી તંત્ર પછી તે સૌથી મોટું શૈક્ષણિક નેટવર્ક ગણાય છે.
વૈદિક પરંપરા: પ્રાચીન પદ્ધતિથી શિક્ષણ આપતા ૬૦૦ જેટલા ગુરુકુળોનું સંચાલન થાય છે.
સામાજિક સેવા: ૧૦,૦૦૦થી વધુ અનાથ બાળકોનું પાલન-પોષણ અને ૫,૦૦૦થી વધુ આરોગ્ય કેન્દ્રો દ્વારા માનવ સેવા કરવામાં આવે છે.
નારી સશક્તિકરણ અને વનવાસી કલ્યાણ: મહિલાઓ માટે લઘુ ઉદ્યોગ તાલીમ અને વનવાસી ક્ષેત્રોમાં શિક્ષણ તેમજ નિવાસની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે.
યુવા સંસ્કાર: આર્યવીર અને આર્યવીરાંગના દળ દ્વારા નૈતિક અને શારીરિક શિક્ષણ આપવામાં આવે છે.
આર્ય સમાજના ૧૦ પાયાના નિયમો
આર્ય સમાજની વિચારધારા આ દસ નિયમો પર ટકેલી છે:
૧. સર્વ સત્ય વિદ્યાનું આદિ મૂળ પરમેશ્વર છે.
૨. ઈશ્વર નિરાકાર, સર્વશક્તિમાન અને દયાળુ છે, તેની જ ઉપાસના કરવી જોઈએ.
૩. વેદ એ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે.
૪. સત્યને ગ્રહણ કરવા અને અસત્યને છોડવા તત્પર રહેવું.
૫. દરેક કાર્ય ધર્માનુસાર (સત્ય-અસત્યના વિચાર પછી) કરવું.
૬. સંસારનો ઉપકાર કરવો એ મુખ્ય ઉદ્દેશ્ય છે.
૭. પ્રેમ અને ન્યાયપૂર્વક વર્તવું.
૮. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી.
૯. પોતાની ઉન્નતિમાં બીજાની ઉન્નતિ સમજવી.
૧૦. સામાજિક હિતના નિયમોમાં પરતંત્ર અને વ્યક્તિગત હિતમાં સ્વતંત્ર રહેવું.
મુખ્ય માન્યતાઓ અને પાખંડ ખંડન
મહર્ષિ દયાનંદે સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાઓ પર આકરા પ્રહાર કર્યા હતા:મૂર્તિ પૂજાનો નિષેધ: ઈશ્વર નિરાકાર છે, તેથી તેની મૂર્તિ ન હોઈ શકે.ચમત્કાર અને જ્યોતિષ: દુનિયામાં ચમત્કાર જેવું કંઈ નથી, તે માત્ર જાદુગરી કે છેતરપિંડી છે. ગ્રહ-નક્ષત્રોની માનવીય જીવન પર અસર એ અજ્ઞાનતા છે.
વર્ણવ્યવસ્થા: જાતિવાદનો વિરોધ કરી ‘ગુણ-કર્મ-સ્વભાવ’ આધારિત વર્ણવ્યવસ્થાનું સમર્થન.
તીર્થ અને શ્રાદ્ધ: જીવિત માતા-પિતાની સેવા એ જ સાચું શ્રાદ્ધ છે, નદીમાં સ્નાન કરવાથી પાપ ધોવાતા નથી.ક્રાંતિકારીઓની પ્રેરણાપીઠ સ્વામી શ્રદ્ધાનંદ, લાલા લાજપતરાય, શ્યામજી કૃષ્ણ વર્માથી લઈને શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રામપ્રસાદ બિસ્મિલ જેવા અનેક ક્રાંતિકારીઓએ આર્ય સમાજના વિચારોમાંથી આઝાદીની પ્રેરણા મેળવી હતી.
ટંકારાના આ આંગણે યોજાનાર શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશથી હજારો આર્ય સમુદાય ઉમટી પડશે, જે વૈદિક ધર્મના પ્રચાર-પ્રસારમાં નવી ઉર્જા પૂરશે.









