ટંકારામાં સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ રામનવમી ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે પણ શહેરને અયોધ્યા નગરી જેવો માહોલ સર્જાશે. રામનવમીના પ્રાગટ્ય દિવસે ઘરે-ઘરે દિવડા પ્રગટાવી, ભગવા ધ્વજ લહેરાવી અને આશોપાલવના તોરણિયા લગાવી શહેરને સજાવવામાં આવશે.
મુખ્ય શોભાયાત્રા રામનવમીના દિવસે સવારે ૯:૦૦ વાગ્યે ફુલિયા હનુમાનજી મંદિરથી પ્રારંભ થશે. આ શોભાયાત્રા દેરીનાકા મેઈન રોડ, દયાનંદ ચોક, મેઈન બજાર, ત્રણ હાટડી, ઉગમણા દરવાજા ધેટીયા વાસ વગેરે મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈને શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે સમાપ્ત થશે. ટંકારાના કાર્યકર્તાઓએ જણાવ્યું કે, “રામનવમીની આ ભવ્ય ઉજવણી દ્વારા સમગ્ર હિન્દુ સમાજમાં એકતા, દેશભક્તિ અને વૈદિક મૂલ્યોનો પ્રસાર થાય છે.” શહેરના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.









