મોરબીના વજેપર વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની 15 વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવ્યા બાદ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલ ઈસમ વિરુદ્ધ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જે કેસ ચાલી જતા અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
વજેપરમાં રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની સગીરવય ની દીકરી કુદરતી હાજતે ગયા બાદ મોડે સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી જે દરમિયાન ગટર પાસેથી સગીરાનો મૃતદેહ મળ્યો હતો. જેમાં સગીરાને મોઢું દબાવી દઈ મોત નિપજાવી તેને પહેરેલ નાકની પીળી ધાતુનો દાણો તથા ડોકમા પહેરેલ સફેદ ધાતુનો ચેન લઈ નાસી ગયાની જે તે સમયે મૃતક સગીરાના પિતરાઇ ભાઈએ મોરબી સીટી ‘ એ ‘ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે વજેપર વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના બબલુ ઉર્ફે અભિમન્યુ રામસાવરે બીશુના સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટે ચાલી જતા ગુનામાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસ તરીકે દલીલો કરાઈ હતી. જેમાં કોર્ટે આરોપી બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુના રાયને દોષિત ઠેરવ્યો છે અને સ્પેશ્યલ પોકસો કોર્ટના મેજિસ્ટ્રેટ ઉપાધ્યાય સાહેબની કોર્ટે ગુનેગાર બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુના રાયને ૨૩૫ (૨), કલમ -૩૭૬ (એ) હેઠળ શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે જ્યારે કલમ -૩૦૨ હેઠળ શિક્ષા પાત્ર ગુનામાં તકસીરવાર ઠરાવી ગુનેગારને આજીવન કેદની સજા અને રૂ. ૨૦,૦૦૦ અને રકમ ભરપાઈ કરવામાં કસુર કરે તો તેના બદલામાં વધુ બે વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.વધુમાં ભોગ બનનાર સગીરા ના માતપિતાને ધી ગુજરાત વિકટીમ કંપેન્સેંસન સ્કીમ ૨૦૧૯ અંતર્ગત રૂ ૧૦,૦૦,૦૦૦ નું વળતર ચૂકવવા સંબધિત વિભાગને હુકમ કરવામાં આવ્યો છે.