12-13 ફેબ્રુઆરીએ જામશે જ્ઞાન અને ભક્તિનો સંગમ તડામાર તૈયારીઓ શરૂ
ટંકારા : શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિ ટંકારા સ્થિત અને સેવાના પર્યાય સમાન ‘આર્ય સમાજ ટંકારા’ (ત્રણ હાટડી શેરી) આગામી ફેબ્રુઆરી માસમાં પોતાના ગૌરવવંતા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે 12/13 ફેબ્રુઆરી 2026 ના રોજ એક ભવ્ય ‘શતાબ્દી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આર્ય સમાજ ટંકારાની સ્થાપના 11 ફેબ્રુઆરી 1926 ના રોજ સ્વામી શ્રદ્ધાનંદજીના વરદહસ્તે કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપના સમયે સૌરાષ્ટ્રના તત્કાલીન રાજા-રજવાડાઓ અને આર્ય જગતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી, આ સંસ્થા યુવાઓને સંસ્કારિત કરવાનું અને સમાજ ઉત્થાનનું ભગીરથ કાર્ય કરી રહી છે.
આર્ય સમાજ ટંકારા માત્ર એક ધાર્મિક સંસ્થા નથી, પરંતુ સામાજિક સેવાનું કેન્દ્ર છે. વર્ષ 1970 થી અવિરતપણે દૈનિક યજ્ઞ અને શનિવારે રાત્રે વૈદિક પાઠશાળાનું સંચાલન.
શૈક્ષણિક અને યુવા ઉત્થાન: બાળકો અને યુવાનો માટે વર્ષમાં બે વાર ખાસ શિબિરો, બાલમંદિર, આર્યવીર દલ અને આર્ય વિરાંગના દલ. જરૂરિયાતમંદ વિધવા બહેનો અને અસહાય પરિવારોને દર મહિનાની 1 તારીખે નિઃશુલ્ક રાશન વિતરણ. કોઈપણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સ્મશાનમાં અંત્યેષ્ટિ સંસ્કારની નિઃશુલ્ક સેવા. નિઃશુલ્ક ઔષધાલય, સમૃદ્ધ પુસ્તકાલય અને વૈદિક સાહિત્ય વાંચન. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મશાલ સરઘસ અને રાષ્ટ્રભક્તિના ગીતોની સ્પર્ધા. સહિતની પ્રવુતી ચાલુ છે.
બે દિવસીય આ મહોત્સવમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. મહર્ષિ દયાનંદજીનું જીવન ચરિત્ર, વૈદિક વિચારધારા, સૃષ્ટિ રચના ક્રમ અને વેદ જ્ઞાનનું પ્રદર્શન. પંચમહા યજ્ઞ અને 16 સંસ્કારોની ઝાંખી. દેશભરમાંથી નામાંકિત વિદ્વાનો, આચાર્યો, સંન્યાસીઓ અને ભજનોપદેશકો ઉપસ્થિત રહી જ્ઞાનની સરવાણી વહાવશે. આર્ય સમાજ ટંકારા દ્વારા જાહેર જનતાને આ મહોત્સવમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બહારગામથી આવતા તમામ અતિથિઓ માટે રહેવા તથા ભોજનની વ્યવસ્થા સંસ્થા દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવી છે. આર્ય સમાજ ટંકારાના આ શતાબ્દી મહોત્સવમાં જોડાઈને જીવનને વેદ માર્ગે ચલાવવાનો સંકલ્પ લેવા આર્ય સમાજની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.









