લોક પ્રશ્નો સાંભળીને જિલ્લા કલેકટર દ્વારા વિવિધ પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવા સબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી તેમજ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું
ટંકારાના હિરાપર ગામે કલેકટરે રાત્રી સભા યોજી લોક પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં વિવિધ પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવા સબંધિત વિભાગોને સૂચના અપાઈ હતી. સાથે ગ્રામજનોને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું.
ટંકારા તાલુકાના હીરાપર ગામે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી. જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. આ સભામાં સ્થળ ઉપર ઉપસ્થિત લોકોના પ્રશ્નો સાંભળી તેનું સમાધાન લાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. વધુમાં ધારાસભ્ય દ્વારા સરકારની વિવિધ યોજનાઓ ઉપરાંત આયુષમાન કાર્ડ, પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે લોકોને જાણકારી આપી હતી.
આ સભામાં કલેકટર, ડીડીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર,ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા અગ્રણી હોદેદારો, ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.