ટંકારા: ટંકારા-લતીપર હાઈવે પર સરાયા ગામ પાસે ગઈકાલે સાંજના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના 100થી વધુ શ્રમિક મુસાફરોને લઈને જતી એક લક્ઝરી બસે આગળ જઈ રહેલા આઈસર ટ્રકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ ઘટનામાં સદ્ભાગ્યે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ બસ ચાલકની બેદરકારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગઈકાલે સાંજે 5:00 થી 5:30 વાગ્યાના અરસામાં, સરાયા ગામથી આગળ ટ્રાવેલ્સ બસ (MP-41-P-5544) ના ચાલકે પૂરપાટ ઝડપે આવી અશોક લેલેન્ડ આઈસર (GJ-14-X-3888) ને પાછળથી ઠોકર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાતા-ખાતા રહી ગઈ હતી. બસ એક વીજપોલ સાથે અથડાઈને અટકી ગઈ હતી, જેના કારણે તે ઊંધી વળી નહોતી. સદ્ભાગ્યે વીજળીના તાર તૂટ્યા ન હોવાથી શોર્ટ સર્કિટ જેવી મોટી હોનારત ટળી ગઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બસમાં ક્ષમતા કરતા વધુ એટલે કે 100થી વધારે નાના-મોટા શ્રમિકો સામાન સાથે ભરેલા હતા. અકસ્માત બાદ બસના ચાલક સહિત ચાર વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, અકસ્માત બાદ બસ સંચાલકોએ મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા મધ્યપ્રદેશના શ્રમિકો રસ્તા પર રઝળી પડ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત અંગે બનાસકાંઠાના ભાભર તાલુકાના કમાલપુરા ગામના રહેવાસી અને આઈસર ચાલક નટવરજી ચાંદાજી ઠાકોર (ઉ.વ. 38) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
એ એસ આઈ એસ એમ સોસા એ BNS કલમ-281, 324(4) તથા મોટર વ્હીકલ એક્ટ કલમ 184, 177 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના ફરી એકવાર હાઈવે પર દોડતા ઓવરલોડેડ વાહનો અને બેદરકાર ડ્રાઈવિંગ સામે લાલબત્તી સમાન છે.









