ટંકારા-લતીપર હાઈવે પર સરાયા ગામ પાસે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રાવેલ્સ બસ અને આઇશર વાહન વચ્ચે ટક્કર થતાં મુસાફરોથી ભરેલી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ અને ચાલુ વીજપોલ સાથે અથડાઈને અટકી ગઈ હતી.બસમાં મધ્યપ્રદેશના મુસાફરો સવાર હતા. અકસ્માત દરમિયાન બસ પલટી ખાતા સહેજમાં અટકી હતી, રોડ સાઈડના વીજપોલ સાથે અટકી જવાથી તે વધુ પલટી ન ખાઈ શકી અને મોટી જાનહાનિ ટળી ગઈ. સદ્ભાગ્યે વીજળીના તાર તૂટ્યા નહીં અને વીજપ્રવાહનું કોઈ જોખમ નહોતું ઊભું થયું, જેથી વધુ ગંભીર દુર્ઘટના ટળી ગઈ.આ ઘટનામાં બસના ડ્રાઈવર સહિત આશરે ચાર વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બસ સંચાલક દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતાં મધ્યપ્રદેશના મુસાફરો રસ્તા પર રઝળી પડ્યા હતા અને તેમણે પોતાની વ્યવસ્થા કરવા માટે ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બસમાં 100 થી વધારે નાના-મોટા પરપ્રાંતીય મજૂરો તેમના સામાન સાથે ભરેલા હતા, જેના કારણે ભારે જોખમ સ્પષ્ટ દેખાતું હતું. સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી મોટી દુર્ઘટના બની હોત તો જવાબદારી કોની એવા સવાલો ઉઠ્યા હતા. સ્થાનિકોએ ડ્રાઈવરે દારૂ પીધી હતી કે કેમ તેની તપાસની પણ માંગણી કરી હતી. બનાવની જાણ થતાં જ ટંકારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવા સહિત જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ફરી એક વાર ઓવરલોડેડ વાહનો અને બેદરકાર ડ્રાઈવિંગના જોખમો તરફ ધ્યાન દોરે છે.









