સૂત્રો પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આઠમાંથી પાંચ બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપી શકે છે. અહીં એ નોંધવું રહ્યું કે, ગત પેટા ચૂંટણીમાં રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક પરથી આયાતી ઉમેદવારની હાર થઈ હતી.
ગુજરાતની આઠ બેઠક પર પેટા-ચૂંટણી ની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આ તમામ બેઠક પર આગામી ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે 10મી નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. ચૂંટણી જાહેરાત થતાં જ બંને પાર્ટી તરફથી જીતના દાવા કરવામાં આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કહેવા પ્રમાણે તમામ બેઠક પર કૉંગ્રેસ પાર્ટીનો વિજય થશે. બીજી તરફ કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી તમામ બેઠક જીતી રહી છે.
તમામ બેઠક જીતીશું: બ્રિજેશ મેરજા
મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા બ્રિજેશ મેરજાએ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી તમામ આઠેય બેઠક પરથી ચૂંટણી જીતી રહી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ બેઠક કૉંગ્રેસના ધારસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી છે. ભારતીય જનતા પાર્ટીનો તમામ બેઠક પર જીતનો દાવો કરતા બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીએ પાયાના કામ કર્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર પોતે ચૂંટણી લડતો હોય તેવા ઉત્સાહથી કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકોને વિશ્વાસ છે. આઠેય બેઠક પર જે પણ ઉમેદવાર ઊભો રહેશે તે ચૂંટણી જીતશે.”બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આઠમાંથી પાંચ બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપી શકે છે. જોકે, અહીં એ પણ નોંધવું રહ્યું કે ગત પેટા ચૂંટણીમાં રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક પરથી આયાતી ઉમેદવારની હાર થઈ હતી. રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડથી ધવલસિંહ ઝાલા ભાજપની ટિકિટ પરથી ચૂંટણી હારી ગયા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે ગઢડા, લીંબડી અને ડાંગ સિવાયની બેઠક પર ભાજપ આયાતી ઉમેદવારને જ ટિકિટ આપશે.
આઠેય બેઠક જીતીશું: અમિત ચાવડા આગેવાન કોંગ્રેસ
“આઠેય બેઠક પર ચૂંટણીની તારીખ જાહેર કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. આ આઠેય બેઠક પર પક્ષ અને પ્રજા સાથે દગો કરનાર લોકોને પાઠ ભણાવવાનું લોકોએ નક્કી કરી લીધું છે. જ્યારે જ્યારે જનાદેશનું અપમાન થયું છે ત્યારે પ્રજાએ તેનો પરચો બતાવ્યો છે. આઠેય પેટાચૂંટણીમાં પણ કાર્યકરો અને લોકો કૉંગ્રેસને આશીર્વાદ આપશે. આઠેય બેઠક પર કૉંગ્રેસનો વિજય થશે. ઉમેદવારની પસંદગી માટે અમારી પ્રભારી તમામનો અભિપ્રાય લઈ ચૂક્યા છે. આ મામટે યોગ્ય સમય નામ જાહેર કરવામાં આવશે છે. આઠેય બેઠક પર જે પણ ઉમેદવાર ઊભો રહેશે તે ચૂંટણી જીતશે
કઈ બેઠક પર ચૂંટણી યોજાશે:
અબડાસા: આ બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ વિજેતા થયા હતા. તેમણે વિકાસ ન થતો હોવાનું કારણ ધરી અને પોતાની મૂળ પાર્ટી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ બેઠક પર તેઓ ઉમેદવાર માનવામાં આવે છે.
કપરાડા: કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી આ બેઠક પર ધારાસભ્ય હતા.જોકે, તેમને દક્ષિણ ગુજરાતના દિગ્ગજ નેતા માનવામાં આવે છે અને તેઓ કૉંગ્રેસમાંથી લોકસભા પણ લડ્યા હતા.
કરજણ : કરજણ બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર અક્ષય પટેલ વિજેતા થયા હતા. તેમણે પણ કૉંગ્રેસનો સાથ છોડીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. અક્ષય આ બેઠક પર ભાજપના ઉમેદવાર માનવામાં આવે છે.
ગઢડા : ગઢડા બેઠક પરથી ભાજપના મંત્રી આત્મારામ પરમારને હરાવીને પ્રવિણ મારૂ વિજેતા થયા હતા. મારૂએ પણ રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસને અલવિદા કહેતા આ બેઠક ખાલી પડી હતી.
મોરબી: મોરબી બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં મૂળ ભાજપના જ નેતા એવા બ્રિજેશ મેરજા જીત્યા હતા. મેરજાએ કૉંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જોકે, આ બેઠક પર ભાજપના જ ઉમેદવાર કાંતિ અમૃતિયાએ વિરોધનો સૂર નોંધાવ્યો હતો.