ટંકારા મધ્યેથી પસાર થતો મોરબી રાજકોટ હાઇવેના કામમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરતા હાઇવેની હાલત કામ પુરૂ થાય એ પહેલાં જ કપરી થઈ ગઈ છે. ટંકારાના સર્વિસ રોડ ઉપરથી ડામર ગાયબ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
રાજકોટ મોરબી રોડને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે એને વર્ષોનો વખત વિતી ગયો છતા પણ કામ પુરૂ થવાનુ નામ નથી લેતું. જવાબદાર કોન્ટ્રાકટ એજન્સીએ એકદમ ઢંગધડા વગરનું કામ કર્યું છે. અણધડ કામગીરી કરતા આ હાઇવેની ટૂંકાગાળામાં જ પોલ ખુલી ગઈ છે. મોરબી રાજકોટ હાઇવે પર ઠેર-ઠેર કોન્ટ્રાકટ એંજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે અને રાજકોટ સુધી નવા નક્કોર રોડ ઉપર ગાબડા જ ગાબડા નજરે પડે છે ત્યારે મોરબી રાજકોટ હાઇવે વચ્ચેના ટંકારાના ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડની હાલત ખૂબ જ ખરાબ છે.
ટંકારા શહેરમાંથી પસાર થતા આ સર્વિસ રોડ ઉપર ડામર શોધ્યો પણ ન જડે તેવી સ્થિતિમાં ઠેર- ઠેર ખાડા પડી ગયા છે. સર્વિસ રોડ ઉપર ગાબડા એટલા બધા પહોળા બની ગયા છે કે વાહન ચાલકો થોડી સ્પીડથી પણ નીકળી શકતા નથી. ટૂંકાગાળામાં જ આ સર્વિસ રોડ ચાલવા યોગ્ય રહ્યો નથી. તેથી આ બાબતે સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
ફુટપાથ અને ભુગર્ભ ગટરનું કામ ક્યારે ચાલું કરશો?
ઓવરબ્રિજ નિચે સર્વિસ રોડ ઉપર આથમણી બાજુ ફુટપાથ અને ભુગર્ભ ગટર થકી પાણી નિકાલ થઈ ગયો છે. પરંતુ ટંકારા જુના ગામ ઉગમણી તરફ હજું ડિમોલેશનને કારણે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે હવે તો કામ પુરૂ કરો ના પોકારો પ્રજા કરી રહી છે.