ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે નાના ભૂલકાઓએ ગણેશ ચતુર્થીની અનોખી રિયે ઉજવણી કરી છે. જેમાં ચોથા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા ભૂલકાઓએ સ્વૈચ્છિક રીતે ગણપતિ મહોત્સવનું આયોજન કરી બધાને આશ્ચર્યચકિત કર્યા છે.
ટંકારા ગામની લક્ષ્મીનારાયણ સોસાયટી, શેરી નંબર ૩ અને ૪ના નાના ભૂલકાઓએ ગણેશ ચતુર્થીના પાવન પર્વને અનોખી રીતે ઉજવી બાળ સર્જનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચોથા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા આ નાના ભૂલકાઓએ સ્વૈચ્છિક રીતે ગણપતિ મહોત્સવનું આયોજન કરી બધાને આશ્ચર્યચકિત કર્યા છે.આ બાળકોએ પોતાના જેબખર્ચમાંથી બચત કરી ગણેશજીની સ્થાપના કરી અને આખા આયોજનની તમામ તૈયારીઓ જાતે જ કરી છે. સવાર-સાંજ આરતીથી લઈને રાત્રે રાસ-ગરબાના કાર્યક્રમો સુધી, આ નાનકડા આયોજકોએ દરેક બાબતનું ઝીણવટભર્યું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે આ બાળકો દિવસે શાળાએ જઈ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે અને શાળાએથી છૂટ્યા બાદ આવા ભવ્ય આયોજનને સફળતાપૂર્વક પાર પાડે છે. આ મહોત્સવનું આયોજન કરનાર બાળકોમાં માધવ, માર્કંડ, દક્ષ, જૈમીન, જિલ, રુદ્ર, મન, કલ્પ, સ્લોક, પાર્થિવ, નારાયણ, નીલ સહિતના નાના ભૂલકાઓનો સમાવેશ થાય છે. તેમની આ સર્જનાત્મકતા અને સમર્પણભાવને લીધે સમગ્ર સોસાયટીમાં તેમની ભારે પ્રશંસા થઈ રહી છે.આ નાની ઉંમરે આવું વિશાળ આયોજન કરવા બદલ આ બાળકોને લાખો વંદન અને શુભેચ્છાઓ. તેમનો આ પ્રયાસ ન માત્ર સોસાયટી માટે, પરંતુ સમગ્ર ટંકારા ગામ માટે ગૌરવની વાત છે. આ બાળકોનું સમર્પણ અને ઉત્સાહ દરેક માટે પ્રેરણાદાયી છે.