મોરબીના હળવદ પંથકમા આજે વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ઘનશ્યામપુર નજીક બાઈક અને કાર વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમા બાઈક ચાલક યુવાન કાળનો કોળિયો બની જતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.
આ બનાવની જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર હળવદ તાલુકાના ઘનશ્યામપુરનો રોડ રક્તરંજીત બન્યો છે. જેમાં ક્રેરેટા ગાડી અને જીજે 36એબી 2472 નંબરની બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ બાઈકચાલક અર્જુન નગીનભાઈ મકવાણા (રહે.બસ સ્ટેશન પાછળ, હળવદ) નામના 35 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ અંગે જાણ થતા હળવદ પંથક શોકમાં ગરકાવ થયો છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોચી ગઈ હતી અને સ્થળ પંચનામા સહિતની કાર્યવાહી આરંભી હતી.