Saturday, February 4, 2023
HomeGujaratવાંકાનેર નગરપાલિકામાં ભાજપમાં બળવો : અપક્ષ શાસન

વાંકાનેર નગરપાલિકામાં ભાજપમાં બળવો : અપક્ષ શાસન

ભાજપે પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનો મેન્ડેડ આપતા બગાવત

- Advertisement -

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં 24 બેઠકો સાથે ભાજપને બહુમતી મળવા છતાં આજે જિલ્લા ભાજપ અને ચૂંટાયેલા સદસ્યો વચ્ચે પ્રમુખપદને લઈ ખેંચતાણ સર્જાતા અંતે ધાર્યું ધણીનું થાય તે ઉક્તિ મુજબ ભાજપના 16 સભ્યોએ રાજીનામાં ધરી દઈ પાર્ટી આદેશને અવગણીને બળવો કરી અપક્ષ સરકાર બનાવતા સમગ્ર રાજ્યમાં ભાજપના આંતરિક ગજગ્રાહના ઘેરા પડઘા પડયા છે.આજે હોદેદારોની ચૂંટણી સમયે ભાજપના સત્તાવાર ઉમેદવારોને ફક્ત 10 મત મળ્યા હતા જયારે 15 મત સાથે બળવાખોર જૂથના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં 24 બેઠક ઉપર ભાજપ અને 4 બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા અને સ્પષ્ટ બહુમતી મળતા ભાજપ સતા સ્થાને બિરાજે તેવું સ્પષ્ટ હતું પરંતુ અહીં બહુમતી ચૂંટાયેલ સભ્યોએ પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ મવડી મંડળ અને જિલ્લા ભાજપ સમક્ષ સૂચવ્યું હતું પરંતુ આંતરિક ખેંચતાણમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા બહુમતી સભ્યોની માંગણીથી વિપરીત પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાનો મેન્ડેડ આપતા વાંકાનેર પાલિકામાં રાજકીય ભૂકંપ રૂપે ભાજપના હોઠ સુધી આવેલો કોળિયો છીનવાયો હતો અને 16 સભ્યોએ બગાવત કરી અપક્ષ સરકાર રચી ભાજપને સતાથી દૂર રાખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વાંકાનેર નગરપાલિકામાં આજે ઇન્ચાર્જ વાંકાનેર પ્રાંત અધિકારી ગંગાસિંગના અધ્યક્ષસ્થાને પ્રમુખ,ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ 28 સભ્યો પૈકી ત્રણ સભ્યો ગેરહાજર રહેતા 25 સભ્યોએ મતદાન કર્યું હતું જેમાં ભાજપના પાર્ટી આદેશ મુજબ પ્રમુખ તરીકે રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન ભરતભાઈ સુરેલાની ચૂંટણી થતા જીતુભાઇ સોમાણી અને અગાઉ રાજીનામુ ધરી દેનાર રમેશભાઈ વોરાએ પાર્ટીના આદેશ મેન્ડેડ મુજબ આંગળી ઉંચી કરી ભાજપના સત્તાવાર ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું પરંતુ ભાજપના અન્ય 15 સભ્યોએ પાર્ટી આદેશનો અનાદર કરતા ભાજપ લઘુમતીમાં મુકાઈ ગયું હતું સામાપક્ષે અપક્ષ ચોકો રચનાર સભ્યોએ 15 સભ્યોની બહુમતી સાથે જયશ્રીબેન સેજપાલને પ્રમુખ તરીકે અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને ઉપ પ્રમુખ તરીકે વિજેતા બનાવતા ભાજપ છાવણીમાં સોપો પડી ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!