હળવદ તાલુકાનાં પંસારી વિસ્તારમાં જેટકો કંપનીનાં અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ હળવદના પંસારી વિસ્તારમાં ખેડુતો દ્વારા હળવદથી સડલા ૨૨૦ કેવી વીજપોલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડુતો દ્વારા રાણેકપર ગામની સીમમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને વળતર બાબતે ચોખવટ કર્યા વગર જ વીજ કંપની દ્વારા પોલ ઉભા કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવતા દેકારો થઈ ગયો હતો. જેટકો કંપનીનાં અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે ખેતરે પહોંચ્યા હતા. જેટકો કંપની દ્વારા સરકારી ખરાબામાં ટાવર ઉભો કરી અંદાજે ૨૧ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનાં આક્ષેપ સાથે વિજિલન્સ તપાસની માંગ કરી હતી. જેટકો કંપનીનાં અધિકારીઓ દ્વારા ખેડૂતોને દબાવવા આવતાં હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.










