રાહદારીઓને કરવો પડી રહ્યો છે ભારે મુશ્કેલીનો સામનો
હળવદના કડીયાણા પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો માથક રોડ પર ભ્રષ્ટાચારની પોલ ખુલી થઈ ગઈ છે જેમાં બે વર્ષ પહેલાં જ બનેલા માથક સુધીના રોડમા મોટા મોટા ગાબડાઓ પડી ગયાં છે અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં માલ સેરવાયો હોય તેમ રોડ બિસ્માર બન્યો છે ત્યારે સરકારી બાબુઓની પણ ક્યાંક સંડોવણી હોય તેમ અનેક ગામોના લોકો સુવિધા મેળવવાના બદલે અસુવિધામાં વાહનો અસુરક્ષિત ચલાવી રહ્યા છે.
માથક રોડ પર પહેલાં જ વરસાદમાં લોટ પાણીને લાકડા કરીને કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડમાં ઘુટણ સુધીના ખાડાઓ ગમે ત્યારે અકસ્માત નોતરે તેવાં છે જ્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કડીયાણાથી બનેલા નવા રોડને હજુ બે વર્ષ પણ માંડ માંડ થયું છે અને મોટા મોટા ગડારાઓ જોવા મળી રહ્યા છે. રણછોડગઢ, સમલી, માથક, રાતાભેર, સુંદરી ભવાની, ચુપણી, ડુંગરપુર, ખેતરડી, માણાબા સહિત અનેક ગામોનો મુખ્ય માર્ગ છે અને આ રોડ પરથી રોજના હજારો વાહનો સાથે ,દુધ વાહનો, બસ, મેડીકલ વાહનો સહિતના વાહનોની અવરજવર રહેતી હોય છે અને ત્યારે જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ડામર રોડ પર થિગડા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. માથકથી વાકાનેર, સરા જતાં મોટાભાગના વાહનો આ રોડ પરથી પસાર થતા હોય છે અને જે સરકારી બાબુઓને કામગીરી દરમ્યાન સુપરવિઝન કરી કામની ગુણવત્તા ચકાસણી કરવાની હોય છે તે ચકાસણી નહીં કરી હોય કે પછી તેની પણ ભાગ બટાઈ હશે તેવા સણસણતા આક્ષેપો ગ્રામજનો, વાહનચાલકો દ્વારા લગાવવામાં આવી રહ્યાં છે.