ટંકારા ગામની સુરક્ષા માટે નગર ફરતી કિલ્લેબંધી કરતી દિવાલ રજવાડાએ કરી હતી જે આજે પણ ગઢની રાંગ તરીકે ઓળખાય છે પરંતુ ત્રણસો વર્ષ જુની કિલ્લેબંધી સમી દિવાલ તંત્રની ઉપેક્ષાથી હાલ જર્જરિત થઈ જઈને તેના કાંગરા ખરી રહ્યા છે જેની જાળવણી કરવાની તાતી જરૂરીયાત છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ ટંકારાની તોતીંગ વિરાસતના બચેલા અવશેષોની જાણવણી કરી મરામત કરવા વહિવટી તંત્ર અંગત રૂચી દાખવે તે જરૂરી છે. ચાર દરવાજા પૈકી હવે એકજ દરવાજો અસ્તિત્વ ધરાવે છે બાકીના જમીન દોસ્ત બની ઈતિહાસ રહો છે.
ટંકારા અને મોરબીના રાજવી એક હોવાથી રાજવી રવાજી (બીજા) એ પોતાની છ રાણી પૈકીના એક મહારાણીને ત્યા કુંવર (વાઘજી ઠાકોર) નો જન્મ થવાની ખુશીમાં ટંકારા ગામની સુરક્ષા કરવા માટે ગામને ફરતી તોતીંગ દીવાલ બાંધી નગરના રક્ષણ માટે કિલ્લેબંધી કરતી ગઢની રાંગ બનાવી હતી. ગામ ફરતે મજબુત રાંગ (દિવાલ) જડી લઈ ગામમાં પ્રવેશ માટે મુખ્ય ચાર પ્રવેશદ્વાર રાજકોટ, જામનગર, મોરબી અને વાંકાનેર દરવાજા બનાવવામાં આવેલ હતા જે પૈકી આજે એક માત્ર મોરબી દરવાજાના અવશેષો બચ્યા છે જે પણ જર્જરીત હાલતમાં હાલ ટીંગાઈ રહ્યો છે. ટંકારા-મોરબી સ્ટેટ દ્વારા બનાવાયેલ કિલ્લેબંધી સમી તોતીંગ દિવાલ (રાંગ) આજે પણ ટંકારાની અને રજવાડાની શાન માનવામાં આવે છે.
નગરના પાદરમાં આવેલી ડેમી નદીના કાંઠે રાજમહેલ (હાલ અહીં મહષિઁ દયાનંદ સરસ્વતિ સ્થાપિત વૈદિક ધર્મની આહલેક જગાવતી ગુરૂકુલ ધમધમે છે) અને નગર બંનેની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગામ ફરતે કિલ્લેબંધી કરતી ગઢનીરાંગ (દિવાલ) વિક્રમ સવંત ૧૭૭૮ માં સ્ટેટના વહિવટદાર જીવા મહેતાએ બાંધી હતી. ગ્રેટ વોલ કહેવાય એવી મજબુત દિવાલ હાલ અસુરક્ષિત થઈ પડી છે અને જર્જરિત હાલતે દુર્દશા હાલતે પડી છે. મહાન સામાજીક ક્રાંતિકારી સંત મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાની તોતીંગ વિરાસતને વહિવટીતંત્ર અંંગત રૂચી દાખવી પુરાતત્વ વિભાગને રાજવી વિરાસત બચાવવા યોગ્ય કાર્યવાહી કરે તો ટંકારા શહેરની ચારે દિશા ફરી સુરક્ષિત થઈ શકે એમ છે. સ્ટેટ દ્વારા ખાસ નમુનેદાર કાળા મજબુત પથ્થરનો ઉપયોગ કરી દિવાલનું મજબુત ચણતર કામ કરવામાં આવ્યુ છે. દિવાલમાં નગરના ચાર મુખ્ય પ્રવેશ દ્વાર મુકવામા આવ્યા છે. ચારેય દરવાજાની મજબુતાઈને ગમે તેવા પ્રહારો પણ ભેદી શકે નહી તેવી અભેદ કિલ્લેબંધીને તંત્રની આંખ આડા કાન કરવાની વૃતિ અને બેદરકારીથી ટંકારાની ધરોહર કહી શકાય તેવી દિવાલના માત્ર આવશેષો બચ્યા છે. ત્રણસો વર્ષ જૂની આ રાંગ (દીવાલ) ને સાચવવા માટે પુરાતત્વ વિભાગ જાળવણી કરીને અદભુત અજાયબીને નષ્ટ થતી બચાવે તે જરૂરી છે.