ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આજે ભીષણ આગ ભભૂકી ઉઠતા ખેડૂતોએ તાત્કાલિક બચાવ માટે પગલાં ભર્યાં હતા.આ દુર્ઘટનામાં બાજુના ખેતરમાં ઉભા પાકને વિકરાળ આગથી બચાવવા માટે કટર મૂકી શક્ય તેટલો પાક બચાવવામાં આવ્યો હતો. જોકે, એક ખેડૂતની ટપક સિંચાઈ પાઈપલાઈન આગની લપેટમાં આવી બળી ખાખ થઈ ગઈ હતી.
બનાવ અંગે મળતી વિગતો મુજબ લજાઈ ગામના ખેડૂત રસુલભાઈ ગાજીભાઈ માથકિયા એ જણાવ્યું હતું કે તેમની સીમના ઉગમણે બાજુથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને તેમના ખેતર તરફ આગળ વધી રહી હતી.આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેમની ટપક સિંચાઈ પદ્ધતિ માટે શેઢે પડેલી પાઈપો બળીને ખાખ થઈ ગઈ હતી.
ખેડૂતે વધુમાં જણાવ્યું કે તાબડતોબ કટર મશીન મૂકીને પાકની લણણી કરી લેવામાં આવી હોવાથી મોટું નુકસાન ટળ્યું હતું પરંતુ પાઈપ બળી જતાં આર્થિક નુકસાન થયું છે. આજુબાજુના અન્ય ખેડૂતોએ પણ આગથી નુકસાન થયું છે કે કેમ તે જોવા માટે તંત્ર માંથી કોઈ આવતું ન હોવાથી તેમને રોષ વ્યક્ત કર્યો હતો.
આ ઘટનાને લઈને ખેડૂતે લગત તંત્રને તાકીદે તપાસ હાથ ધરી આગ લાગવાની હકીકત બહાર લાવવા અને નુકસાન અંગે યોગ્ય માહિતી મેળવવા માટે અપીલ કરી છે.