ગુમ થયેલ ચારમાંથી એક યુવાન ભારતીય સેનાના સંપર્કમાં આવ્યો
મોરબી: હળવદથી અમરનાથની યાત્રાએ ગયેલા ચાર મિત્રો લાપતા બન્યા છે. જો કે ચારમાંથી એક ભારતીય સેનાના સંપર્કમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રણ હજુ લાપતા હોવાથી હળવદ રહેતા તેમના પરિવારજનો ચિંતાતુર થઈ ગયા છે.
ગઇકાલે અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાથી અનેક લોકો પાણીના વહેણ માં તણાયા હતા અને અનેક લોકો સંપર્ક વિહોણા બન્યા હતા જેમાં હળવદના ચાર મિત્રો અમરનાથ યાત્રાએ ગયા બાદ લાપતા થઈ ગયા છે.જેમાં શામજીભાઈ વશરામભાઈ ભરવાડ (ઉંમર વર્ષ ૨૫ રહે. પંચમુખી ઢોરો-હળવદ), પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા (ઠાકોર ઉંમર વર્ષ 25 રહે.પંચમુખી ઢોરો હળવદ), પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયા (ઉ.૨૫ રહે. પંચમુખી ઢોરો હળવદ) નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા (ઉ ૨૧ પંચમુખી ઢોરો હળવદ) એમ આ ચાર વ્યક્તિઓ અમરનાથ યાત્રાએ ગયા હતા. ચારેય ગુમ થયા બાદ ગુમ યુવાનો પૈકી નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ભારતીય સેનાના સંપર્કમાં આવ્યો છે. અન્ય ત્રણ મિત્રો હજુ લાપતા છે. ગુમ થયેલા ત્રણેય વ્યક્તિઓના પરિવારજનો ચિંતાતુર થઈ ગયા છે.