ટંકારા: ઋષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે આગામી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ આર્ય સમાજ સ્થાપનાના શતાબ્દી પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ પ્રસંગે ભારતની વૈચારિક ક્રાંતિના જનક ગણાતા સ્વામી દયાનંદ સરસ્વતીના એ ક્રાંતિકારી વિચારોને યાદ કરવામાં આવી રહ્યા છે, જેમણે ગુલામ ભારતમાં માત્ર ધર્મ જ નહીં, પણ લોકશાહીના પાયા નાખ્યા હતા. ઐતિહાસિક વિગતો મુજબ, મુંબઈમાં સ્વામીજીના આગમન સમયે ભક્તોમાં એક સંગઠિત સંસ્થાની જરૂરિયાત વર્તાઈ હતી. વેદો પર આધારિત વૈદિક શિક્ષણના પ્રચાર માટે ‘આર્ય સમાજ’ની સ્થાપનાનો નિર્ણય લેવાયો. આ માટે દાદોબા પાંડુરંગ, પાનાચંદ આણંદજી પારેખ અને સેવકલાલ કૃષ્ણદાસની સમિતિએ રૂપરેખા તૈયાર કરી હતી, જેને હાઇકોર્ટના વકીલ ગિરધરલાલ કોઠારીએ આખરી ઓપ આપ્યો હતો.
સંસ્થાની સ્થાપના સમયે લક્ષ્મીદાસ ખીમજી અને પંડિત રાજકૃષ્ણ જેવા ધનિકો અદ્વૈતવાદના સિદ્ધાંતો ઉમેરવા માંગતા હતા. પરંતુ સ્વામીજીએ મક્કમતાથી જણાવ્યું હતું કે, “હું અસત્યના પાયા પર આર્ય સમાજની સ્થાપના કરીશ નહીં.” તેમણે કોઈ પણ બાંધછોડ વગર સત્ય અને વેદના માર્ગે ચાલવાનું પસંદ કર્યું હતું. જે સમયમાં ભારતમાં રાજાશાહી અને ગુલામી હતી, ત્યારે સ્વામીજીએ આર્ય સમાજમાં લોકશાહી પદ્ધતિ દાખલ કરી હતી. ૧૦ એપ્રિલ ૧૮૭૫ના રોજ મુંબઈના ગિરગાવમાં પ્રથમ આર્ય સમાજની સ્થાપના સમયે પદાધિકારીઓની વિધિવત ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ પ્રધાન:ગિરધરલાલ દયાલદાસ કોઠારી પ્રથમ મંત્રી: પાનાચંદ આણંદજી પારેખ
સ્વામીજીએ પોતે કોઈ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને સભ્યોની યાદીમાં પોતાનું નામ ૩૧મા ક્રમે સામાન્ય સભ્ય તરીકે રાખ્યું હતું. આ ઘટના વર્તમાન સમયના સત્તાલક્ષી રાજકારણ માટે એક મોટો આરસી રૂપ દાખલો છે.
સ્વામીજીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ નવો પંથ સ્થાપવા માંગતા નથી. તેમણે કહ્યું હતું કે, “ભવિષ્યમાં જો મારી કોઈ ભૂલ જણાય, તો તેને પણ યુક્તિપૂર્વક સુધારી લેજો.” તેમણે પોતાની મૂર્તિ કે ફોટાની પૂજા કરવાની પણ સખ્ત મનાઈ ફરમાવી હતી, જેથી ભવિષ્યમાં અંધવિશ્વાસ ન ફેલાય. સ્વામીજીનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ મતમતાંતરોને દૂર કરી વેદના માર્ગે એકતા સ્થાપવાનો હતો. તેમનું માનવું હતું કે ધર્મની એકતાથી જ સાંસારિક અને વ્યવહારિક સુધારા થશે અને મનુષ્યને અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે. ટંકારા ખાતે યોજાનાર આ શતાબ્દી મહોત્સવ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ સ્વામીજીના આ ક્રાંતિકારી અને લોકશાહી મૂલ્યોને પુનઃજીવિત કરવાનો અવસર બની રહેશે.










