જયેશ ભટાસણા ટંકારા દ્વારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે આગામી ફેબ્રુઆરી અને માર્ચ માસમાં ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. શ્રી રામદેવપીરની જગ્યા, કાળુરામ બાપુના આશ્રમ ખાતે ગૌશાળાના લાભાર્થે અને સનાતન ધર્મના પ્રચારાર્થે ‘શ્રી રામદેવ રામાયણ માનસ કથા’ તથા ‘શ્રી સવરા મંડપ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 
આ પાવન કથાનો પ્રારંભ વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ સુદ-૮, મંગળવાર તારીખ ૨૪/૦૨/૨૦૨૬ થી થશે અને પૂર્ણાહુતિ ફાગણ સુદ-૧૪, સોમવાર તારીખ ૦૨/૦૩/૨૦૨૬ ના રોજ થશે. કથાના વક્તા તરીકે મોરબીના રામધન આશ્રમના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પરમ પૂજ્ય સંતશ્રી રત્નેશ્વરીદેવીજી પોતાની અમૃતવાણીમાં સંગીતમય શૈલીમાં કથાનું પાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી રાખવામાં આવ્યો છે.
કથા પૂર્વે તારીખ ૧૯/૦૨/૨૦૨૬ના રોજ કુંભ સ્થાપન કરવામાં આવશે. કથા દરમિયાન અનેક પાવન પ્રસંગોની ઉજવણી થશે, જેમાં:
૨૪ ફેબ્રુઆરી: પોથી યાત્રા
૨૫ ફેબ્રુઆરી: નંદ મહોત્સવ
૨૬ ફેબ્રુઆરી: રામદેવજી મહારાજનું પ્રાગટ્ય
૨૮ ફેબ્રુઆરી: શ્રી રામદેવજી વિવાહ, બારપોરો પાટ અને શ્રી ડાલીબાઈના સામૈયા
૧ માર્ચ: શ્રી સવરા મંડપ મહોત્સવ અને સંતવાણી
૨ માર્ચ: સમાધિ દર્શન અને કથા વિરામ
ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદ:
તારીખ ૦૧/૦૩/૨૦૨૬, રવિવારની રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન છે, જેમાં ખ્યાતનામ કલાકારો પ્રીતિબેન વાજા, વિજયભાઈ ગઢવી અને સાહિત્યકાર રાજુભાઈ આહીર ઉપસ્થિત રહેશે. કથા દરમિયાન સાતેય દિવસ મેઘપર ઝાલા ગામમાં ‘ધુવાણા બંધ’ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ધાર્મિક મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, હકુભા જાડેજા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા વિવિધ જગ્યાઓના સંતો-મહંતો હાજરી આપશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહંતશ્રી રવિરામબાપુ (ગુરુશ્રી ધરમશીબાપુ), મેઘપર ઝાલા સમસ્ત ગામ અને શિવશક્તિ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પાવન પ્રસંગનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









