રાજ્યભરમાં કોરોના સંક્રમણ ઘેરું બની રહ્યું છે તેવા સંજોગો વચ્ચે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય કોરોનાની ઝપટે ચડયા છે તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણ થતાની સાથે જ સંપર્કમાં આવેલ લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
રાજ્યભરમાં વધતા જતા કોરોના કહેર વચ્ચે આજે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગઈકાલે ધારાસભ્ય પરસોતમભાઈની તબિયત બગડતા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જ્યાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાંતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે રીપોર્ટ રાત્રીના સમયે પોઝીટીવ આવ્યો હતો. રીપોર્ટ પોઝીટીવ આવતાની સાથે જ ધારાસભ્ય પરસોતમ સાબરીયા હોમ કોરોન્ટાઇન થયા હતા અને આ અંગે ધારાસભ્યએ જાહેરાત કરી સંપર્કમા આવેલને રીપોર્ટ કરવવા અપીલ કરી હતી.જેને લઈને તેના સંપર્કમાં આવેલા લોકોમાં ડર ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પ્રભારી મંત્રીની અધ્યક્ષતા કલેકટર કચેરીએ યોજાયેલ મિટિંગમાં પરસોતમભાઈ મંત્રી દેવાભાઈ માલમ સાથે હાજર રહ્યા હતા. આ ઉપરાંત મિટિંગમાં અધિકારી, કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.