હળવદના નવા માલણીયાદ ગામે વર્ષ 2016માં બનેલા બનાવમાં હળવદ નામદાર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વર્ષ 2016માં ફરિયાદીના ઘરમાં ઘુસી એકલતાનો લાભ લઈ બિભત્સ માંગણી કરવાના કેસમાં હળવદ નામદાર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં હળવદ કોર્ટે આ કેસના આરોપીને બે વર્ષ અને નવ માસની કેદની સજા અને રૂપિયા વીસ હજાર પાંચસોનો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગતો એવી છે કે હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા એક મહીલા પાસે તા.09/6/2016ના રોજ આ જ ગામે રહેતા મુકેશભાઈ લાલજીભાઈ પરમારે ફરિયાદી મહિલા ઘરે એકલા હોય ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશી એકલતાનો લાભ લઈ ફરિયાદી પાસે બિભત્સ માંગણી કરેલ જે બનાવની ફરિયાદ જે તે સમયે ફરિયાદીએ આરોપી મુકેશભાઈ લાલજીભાઈ પરમાર વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ બિભત્સ માંગણી કરવા અંગેનો કેસ આર.એમ.કલોત્રા એડી.ચીફ.જ્યુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.પી.માલવણીયાની ધારદાર દલીલો અને ફરિયાદી પક્ષે રજૂ થયેલા 10 મૌખિક અને 2 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આ કેસમાં આરોપી મુકેશભાઈ લાલજીભાઈ પરમારને દોષિત ઠેરવી બે વર્ષ અને નવ માસની કેદની સજા તેમજ રૂપિયા વીસ હજાર પાંચસોનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી રૂપિયા પંદર હજાર માનસિક યાતના અને તકલીફ બદલ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ આપ્યો છે.