હળવદ તાલુકાના સરપંચો વિકાસ કામોમાં વિલંબ થતો હોવાની રાવ સાથે પંચાયત કચેરીમાં આમરણ ઉપવાસ ઉપર ઉતરતા દેકારો બોલી ગયો છે. જેને પગલે અગ્રણીઓએ દોડી જઇ સમાધાન કરાવ્યું હતું.
પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટના અણઘડ આયોજન અને 14માં નાણા પંચના ધણા કામો હજુ અધૂરા છે આથી સરપંચો લાલઘૂમ થયા હતા. જેને પગલે હળવદ તાલુકા પંચાયતમાં મંગળવારે સવારથી સરપંચોએ આમરણ ઉપવાસ કરી આંદોલનનું મંડાણ કર્યું હતું. સમસ્યાઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આમરણ ઉપવાસ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે. ગ્રામ પંચાયતોના સરપંચની સતા ઉપર તરાપ મારવાની સાથે અધિકારીઓ દ્વારા સરપંચને સાઈડ લાઈન કરી ૧૫મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત અણઘડ આયોજન કરવાની સાથે વિકાસના કામમાં વિલંબ થતો હોવાની રાવ કરી હળવદ તાલુકાના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આંદોલન છેડયું છે.
મંગળવાર બપોરના મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા તથા હળવદના નેતા અને જામનગર જિલ્લાના પ્રભારી રંજનીભાઈ સંધાણી સહિતના અગ્રણી હળવદ તાલુકા પંચાયત ખાતે દોડી આવ્યા હતા.અને તાલુકા વિકાસ અધિકારી સાથે બેઠક કરી સરપંચોને પડતી મુશ્કેલી બાબતે ચર્ચા-વિચારણા કરી સમસ્યા નિવારણની હૈયાધારણા આપતા સરપંચોઓ અને ટીડીઓ વચ્ચે સુખદ સમાધાન થયું હતું.