ખરબાથી ખેતર સુધીની ઓરીયા ધોરીયાની પાંચ સાલી મંજૂરી પાલિકાથી મલી જશે
ટંકારા: મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ સદસ્ય ભૂપેન્દ્રભાઈ ગોધાણી દ્વારા ખેડૂતોના હિતમાં કરવામાં આવેલી લાંબા સમયની રજૂઆત આખરે સફળ થઈ છે. ટંકારા નગરપાલિકા વિસ્તારના ખેડૂતોને ઓરીયા-ધોરીયા (પાણીની પાઇપલાઇન) માટે પડતી વહીવટી મુશ્કેલીઓનો હવે કાયમી ઉકેલ આવ્યો છે.
જ્યારથી ટંકારા ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં રૂપાંતરિત થયું, ત્યારથી ખેડૂતો માટે પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી મેળવવી એક જટિલ પ્રશ્ન બની ગયો હતો. અગાઉ તાલુકા પંચાયત દ્વારા 5 વર્ષ માટે પાઇપલાઇનની મંજૂરી આપવામાં આવતી હતી.
નગરપાલિકા બન્યા બાદ, તાલુકા પંચાયત, નગરપાલિકા કે મામલતદાર કચેરી—કોઈ પણ તંત્ર મંજૂરી આપવાની જવાબદારી સ્વીકારતું નહોતું.
આ વહીવટી ગૂંચને કારણે ખેડૂતો સિંચાઈ માટે પાઇપલાઇન નાખવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા.
ખેડૂતોની આ વેદનાને વાંચા આપવા માટે પૂર્વ સદસ્ય ભુપતભાઈ ગોધાણીએ સંકલન સમિતિમાં લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદાર વચ્ચે પત્રવ્યવહાર થયો.
નિયમો અને પરિપત્રોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. અંતે મોરબી પ્રાંત અધિકારી દ્વારા એવો નિર્ણય લેવાયો કે હવે નગરપાલિકા કચેરી ખાતે જ નિયત નમૂનામાં અરજી કરીને આ મંજૂરી મેળવી શકાશે.
ગોધાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે નગરપાલિકા વિસ્તારના ખેડૂતો પાલિકામાં સીધી અરજી કરી શકશે. જે ખેડૂતોની પાંચ વર્ષની મંજૂરી પૂર્ણ થઈ ગઈ છે, તેઓ હવે પોતાની મંજૂરી રિન્યુ (નવીનીકરણ) પણ કરાવી શકશે. આ રજૂઆત સફળ થતા ટંકારા પંથકના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે પાઇપલાઇન માટે મંજુરીની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે.









