હરિકૃષ્ણ ધામ – રણજીતગઢ ના સંતોએ હળવદના નાડીયાવાસ વિસ્તાર અને આસપાસની ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને પગરખાં પોતાના સ્વ હસ્તે પહેરાવી અને માનવતા મહેકાવી
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે દીન જનને વિશે દયાવાન થવું. તે અનુસાર અમદાવાદ-કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં યોજાનાર નરનારાયણદેવના દ્વિશતાબ્દી મહોત્સવ પર્વ નિમિત્તે હળવદ તાલુકાના રણજીતગઢ ગામમાં આવેલ હરિકૃષ્ણધામના સંતો તથા શનિ સભાના યુવાનો દ્વારા ગરીબ બાળકો તેમજ શ્રમિક ભાઈઓ – બહેનોને વિનામૂલ્યે ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ઉલ્લેખનીય છે કે હરિકૃષ્ણધામના સંસ્થાપક એવા ભક્તિહરિદાસજી સ્વામીએ પોતે સંત દીક્ષા ગ્રહણ કરી ત્યારથી આજે ૬૩ વર્ષની ઉંમરે પણ ખુલ્લા પગે ચાલીને સત્સંગ વિચરણ કરે છે અને દેહને કષ્ટ આપી તપોમય જીવન જીવે છે, પણ ગરીબોને પગ ન બળે તે માટે ચપ્પલ વિતરણ કરી ‘સંત બડા પરમારથી’ ઉક્તિ સાર્થક કરી છે.
આ આયોજન આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજના ખૂબ રૂડા આશીર્વાદ, વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા, ભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શનથી પરિપૂર્ણ થયું. હરિકૃષ્ણધામ દ્વારા સમયની જરૂરિયાત પ્રમાણે ચપ્પલ વિતરણ, જેકેટ અને ધાબળા વિતરણ, મચ્છરદાની વિતરણ, અનાજ વિતરણ, ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક દવા-ફ્રુટ વિતરણ, ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યાદાન વગેરે જેવી સામાજિક સેવાઓ અવિરતપણે ચાલુ રહેતી હોય છે.