જ્યારે આરોગ્ય કેન્દ્રની હાલત જ કથળેલી હોય ત્યારે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ ટંકારા તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં જોવા મળી રહ્યું છે. ટંકારા તાલુકાની આરોગ્ય સેવાને સારવારની તાતી જરૂર હોય તેવું લાગી રહ્યું છે. ચાર પૈકી 3 પિએચસીમાં નવી ઓપિડી ત્રણેક માસથી બંધ છે. જેમાં પણ મહત્વનું વાત તો એ છે કે આ ટંકારા તાલુકામાં માત્ર એક જ ડોક્ટર છે. ત્યારે વધારાની દુવિધામાં આરોગ્ય કર્મી અચોકસની હડતાલ પર ઉતરી જતા મમતા દિવસે વેક્સિનેશન સહિતની કામગીરી ઉપર સંકટ ઊભું થયું છે. જો કે, તાલુકા હેલ્થ ઓફિસરે બેક ટુ બેક કર્મચારીઓ પાસે કામ લઈ કામગીરી આટોપવાની વાત કરી છે. આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ છે કે પ્રજાના સેવકો કયા છે અને શું કરે છે ?
ટંકારા તાલુકાની આરોગ્ય સેવા ખુદ માંદગીના બિછાને હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય સેવાઓને તાકીદે સારવાર માટે સરકારની સંવેદનાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. જોકે ટંકારા તાલુકામાં નેતાઓ નમાલા નિવડયા હોય એમ પ્રજાને આરોગ્ય સેવા અપાવવાની બાબતમાં નિરસ બની તમાશો જોયા કરે એવો ધાટ સર્જાયો છે. સૌથી મોટી વાત એ છે કે વિરોધ પક્ષના નેતા પણ ટંકારા બેઠક પરથી હોવા છતાં સરકારની દુવિધા મુદે એક શબ્દ ઉતારવા ન માંગતા હોય જેથી રિતસર પ્રજાજનો પરેશાન થઈ રહી છે. ટંકારા તાલુકામાં જીલ્લા પંચાયત હસ્તકના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. જેમાં સાવડી, નેસડા, નેકનામ અને લજાઈ પરંતુ નવાઈ લાગે એવી એ વાત છે કે ટંકારા તાલુકા વચ્ચે માત્ર એક જ એમ બી બી એસ ડોક્ટર છે. જેથી દર્દીઓ છેલ્લા ત્રણેક મહિનાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અધુરામા પુરૂ આરોગ્ય કર્મી જે જેમ તેમ ગાડું ગબડાવી નાની મોટી વેક્સિન સહિતની સારવાર કરતા એ પણ હવે હડતાળ ઉપર ઉતરી જતાં પડ્યા ઉપર પાટા જેવી હાલત ટંકારા તાલુકાના પ્રજાજનોની થઈ છે. આજે બુધવારે મમતા દિવસે રીતસર બાળકો અને સગર્ભાને રસી વેક્સિન કામગીરી ખોરવાઈ ગઈ છે. જોકે તાલુકા હેલ્થ ઓફિસર ડો ડિ. જી. બાવરવાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી ટિમ બેક ટુ બેક ત્રણ દિવસ મમતા દિવસની કામગીરી આટોપી લેશે. ત્યારે સવાલ એ છે કે કયા સુધી પ્રજાએ દુવિધા યુક્ત દવાખાના કારણે પિડાવવાનુ? શું એક પણ નેતાની સવેદના જાગશે નહી ?