Wednesday, February 26, 2025
HomeGujaratપોલીસ અધિકારીઓ નેતાના હાથા ક્યાં સુધી બનશે?શું પોલીસ અધિકારીઓએ નેતાની જો હુકમી...

પોલીસ અધિકારીઓ નેતાના હાથા ક્યાં સુધી બનશે?શું પોલીસ અધિકારીઓએ નેતાની જો હુકમી કરવા મહેનત કરી નોકરી મેળવી છે.?ગાઢ વિચારની આવશ્યકતા કે પછી પ્રોબેશન પીરીયડ ની જરૂર?? મોટો સવાલ

રાજ્યમાં એક પછી એક છેલ્લા ત્રણ વર્ષોમાં નેતાઓ રાજકીય બાબુઓ કહેવાથી કરેલ અનેક અધિકારીઓને પાણીચા પકડાવી દેવામાં આવ્યા છે.જેમાં સૌથી વધુ ભોગ બિચારું પોલીસ તંત્ર બને છે.

- Advertisement -
- Advertisement -

હા બિચારું પોલીસ તંત્ર …બિચારું પોલીસ તંત્ર એટલે કહેવું પડે છે કે જ્યારે આખી દુનિયાને કાયદાઓ મારફતે ન્યાય અપાવવાનો ચોવીસે કલાક પ્રયાસ કરતા પોલીસ અધિકારીઓ જ પોતાના ન્યાય માટે અવાજ પણ નથી ઉઠાવી શકતા ત્યારે તેની સ્થિતિ બિચારાથી કમ નથી.આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી પણ કેમ એ સમજાતું નથી.શું બધા ઈચ્છે છે કે પોલીસ અધિકારીઓ ને આની જરૂર જ છે જો એવું છે તો આ પોલીસ તંત્ર અને પોલીસ અધિકારીઓએ ખાસ વિચારવાની જરૂર છે.

થોડાં મહિના પહેલા અમરેલી લેટર કાંડ મામલે નેતાના લેટરપેડ નો ઉપયોગ કરવા મામલે પાયલ ગોટી ની ધરપકડ કરાઈ હતી અને એ ધરપકડ કાયદા વિરુદ્ધ ની હતી તેવું બચાવ પક્ષ ના વકીલોની દલીલ હતી અને કોર્ટે પણ તેને સાંભળી હતી. ખેર હવે એ નિર્ણય તો કોર્ટમાં છે અને કોર્ટ તેનો યોગ્ય નિર્ણય કરશે પરંતુ પોલીસ તપાસ દરમ્યાન બે પીઆઈ અને એક મહિલા પીએસઆઈ ને સસ્પેન્ડ કરી દીધા છે અને છેલ્લા કેટલાક સમયથી સસ્પેન્શન ના ગ્રાફ ચિંતા જનક રીતે વધી રહ્યો છે અને મારે આજે વાત અહીંયા એજ પોલીસની ગરિમા અને પોલીસના અધિકારીઓની કરવી છે.

હા એ ગુજરાત પોલીસ ની કે જે હર હંમેશા ખંતીલી રીતે લોકો માટે તૈયાર રહે છે.આ ગુજરાત પોલીસ ભલ ભલા ગુંડાઓ અને લુખ્ખાઓ ના પેન્ટ ભીના કરી નાખ્યા છે આ એજ ગુજરાત પોલીસ છે જેનાથી દાઉદ હોય કે લતીફ બધા ડરતા હતા તો આ ગુજરાત પોલીસ ના અધિકારીઓ બાહોશ માંથી બિચારા બનવાનું કારણ શું?

શું પોલીસ અધિકારીઓ રાજકીય નેતાઓનો હાથો બને છે.?
જો લોકો ના મનની વાત કરીએ તો હા…પોલીસ અધિકારીઓ રાજકીય નેતાઓને ખુશ કરવા એટલી હદે નીચે જાય છે કે સાવખોટા ગુના દાખલ હસતા હસતા કરી દે છે અને આવા કિસ્સાઓમાં પુરાવાઓ પણ ખોટા હોય છે પંચ પણ ખોટા અને પંચનામા પણ ખોટા.રાજકીય આગેવાનોની ભલામણો થી ના તો કોઈ વ્યક્તિ કે તેના પુરાવાઓ ને ધ્યાને લેવામાં આવે અને ના તો તેના હિત ને ન તેના ભાવિ ને કે ના તેના પરિવાર ને બસ ધ્યાને લેવામાં આવે છે તો ફક્ત નેતાઓ ની ખુશામત ને અને આ જ પોલીસ અધિકારીઓ કે જે પોતાની નૈતિકતા નેવે મૂકી રાજકીય આગેવાનોના હાથા બને છે પછી એ જ્યારે ફસાય છે તો આ નેતાઓ ક્યાંય દેખાતા નથી. આવા અનેક આઇપીએસ અધિકારીઓ,ડીવાયએસપી અને પીઆઇ કક્ષાના અધિકારીઓ આ નેતાઓના ભોગ બની ચૂક્યા છે પરંતુ જે છેલ્લા ત્રણ વર્ષોમાં પોલીસ અધિકારીઓને ઘરભેગા કે તાત્કાલિક બદલી કરવાની પ્રથા છે ક્યાંક તેના માટે જવાબદાર આવા પોલીસ અધિકારીઓ પણ છે કે જે સારા પોસ્ટિંગ માટે અથવા કોઈ ભલામણ કરવાની અપેક્ષા માટે સ્થાનિક આગેવાનો નેતાઓ કે ચૂંટાયેલ પ્રતિનિધિઓ ને ખુશ રાખે છે અને ખોટી ફરિયાદો કરે છે.ભણેલા ગણેલા યુવાનોને આરોપીઓ ની શ્રેણીઓમાં લાવી મૂકે છે.પણ આ અધિકારીઓએ ભૂલવું ન જોઈએ કે તેઓ પણ એક સમયે યુવાન હતા વિધાર્થી હતા અને તેઓએ પણ ક્યાંક ને ક્યાંક અન્યાય સહન કર્યો હશે કેમ કે મોટા ભાગના અધિકારીઓ ગર્ભ શ્રીમંત પરિવારમાંથી નથી જ આવતા હોતા તો કેમ તેઓ સામાન્ય લોકોની પીડા સમજી નથી શકતા? એક સમય માં ગુજરાત પોલીસના દાખલા દેવામાં આવતા હતા અને આજે આટલા આધુનિક યુગ માં આટલી સુવિધાઓ વચ્ચે પોલીસ અધિકારીઓ ન્યાય અને તટસ્થ રીતે કેમ વર્તન નથી કરી શકતા એ ગંભીર પ્રશ્ન છે. અમુક વર્ષો સારા કાઢવાની લ્હાય માં પોલીસ અધિકારીઓ તેના પરિવાર ને પણ ડિપ્રેશન માં લાવીને મૂકી દે છે જેના પર વિચાર કરવો જરૂરી છે.

પોલીસ અધિકારીએ સમજવું જોઈએ અને ખોટી રીતે પોતાના સ્વાર્થ માટે થતા પોલીસ મશીનરી નો ખોટો ઉપયોગ ના થવા દેવો જોઈએ.ભૂતકાળ માં સુખદેવ સિંહ ઝાલા,એસ એન મહેતા, સી જી ચુડાસમા, એ.આર. જનકાંત થી લઇ અનેક એવા અધિકારીઓ છે જેની કાબિલે દાદ કામગીરીની મિસાલ આજે પણ લોકો આપે છે તો આજે આ પોલીસ અધિકારીઓ કેમ સમજી નથી શકતા શું નવી પેઢીના અધિકારીઓને ટ્રેનિંગમાં કોઈ કમી છે કે પછી પ્રોબેશન પીરીયડ વધારવાની જરૂર છે.? ખેર આ તો સરકારનો નિર્ણય છે અને સરકાર દ્વારા પણ સમયાંતરે રિફેશર તાલીમો આપવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષોમાં જે પોલીસ અધિકારીઓ જે તે નેતા જે આગેવાનો કે ચૂંટાયેલ પ્રતિ નિધિઓ નો હાથો બની રહ્યા છે તેઓ એ આ મામલે ખાસ વિચારવાની જરૂર છે.સત્ય માટે લડવું અને તટસ્થા પૂર્વક રહેવું આ માટે ઇશ્વરે તમને ખાસ પસંદ કર્યા છે. જો આપની ફરજ દરમ્યાન થોડી પણ નૈતિકતા રાખશો તો આ ખાખી તમને ક્યારેય ઝૂકવા નહીં દે અને આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં જોવા મળે છે.ઘણા અધિકારીઓ કહે છે કે હવે એ સમય નથી તો આ અધિકારીઓ ને કહી દઈએ કે સમય એ જ છે કાયદાઓ પ્રણાલીઓ હજુ પણ અંગ્રેજોની ચાલે છે તો પછી આમાં કેમ નહીં?

મારો આવા અધિકારીઓને એક જ પ્રશ્ન છે કે જે નોકરી માટે તમે રાત દિવસ મહેનત કરી હોય અનેક તકલીફોમાંથી નિકળ્યા હોય અનેક ખરાબ અનુભવો થયા હોય અનેક માનતાઓ બાધાઓ લીધી હોય અને એ નોકરી ફ્કત રાજકીય હાથો બનવાના કારણે જતી જ રહવાની હોય કે ત્યાંથી હટાવી જ દેવાના હોય તો રાજકીય હાથો બનો છો શું કામ ? આ પ્રશ્ન તમારી જાતને પૂછો કે શું તમે આ માટે ભરતી થયા હતા ? ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ સાર્વભૌમત્વ અને અખંડિતતા ના સોગંદ લઈ તમે તેને તમારા કાર્યકાળ માં કેટલું ઉતાર્યું એ મહત્વનું છે આજે પણ આવા અધિકારીઓ પોતાની ફરજ કાબિલેદાદ નિભાવી જ રહ્યા છે અને પોલીસનું મોરલ જાળવી રાખ્યું છે. આ કોઈ સલાહ કે માર્ગદર્શન નથી ફક્ત એક દિશા બતાવવાનો પ્રયાસ છે.

વધુ લખાઈ ગયું હોય તો માફ કરશો પણ પોલીસ મોરલ જાળવવું એ પોલીસના હાથની વાત છે .કોર્ટ પહેલાં લોકો પોલીસ પાસે આવે છે જેને પ્રાથમિક દ્રષ્ટિએ સત્ય ને તોલવુ અનિવાર્ય છે જો તમે આવું નથી કરતા તો સમજી લેજો આપ નોકરી રાજકીય નેતાઓની કરો છો અને પગાર પ્રજાનો લો છો જે અત્યંત ક્ષોભજનક છે આપ ના ફરજના સ્વાર્થમાં આપનો પરિવાર પણ દુઃખી થાય છે બની શકે તો બદલાવ જરૂર કરવો. આભાર.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!