પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા બેચરભાઈ વેલાભાઇ મુંધવા અને તેમના સગા સબંધી પાસેથી ૧૪ જેસીબી અને ૨ હિટાચી મશીન વધુ ભાડુ આપવાની લાલચ આપી ત્રણ શખ્સો સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરી લઈ ગયા હતા. જોકે ત્રણ-ચાર મહિના ભાડુ ચૂકવ્યા બાદ આરોપીઓએ આરોપીઓનો કોઈ જ પત્તો ન મળતા છેતરપિંડી કરી હોવાનું સામે આવતા બેચરભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં ભાડે આપેલા જેસીબી અને હિટાચી મશીન જમ્મુ-કાશ્મીરમાં વેચી દીધા હોવાનું ખુલ્યું હતું. જેથી હળવદ પોલીસ સ્ટાફ જમ્મુ કાશ્મીરથી હાલ પ જેસીબી અને ૧ હિટાચી મશીન સહિત રૂ. ૧.૪૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હળવદ પોલીસ દ્વારા આ છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી મોહમ્મદ ઈલ્યાસ મહેબુબભાઇ શેખ (રહે. શાહપુર, અમદાવાદ) ને મુંબઈથી ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય બે આરોપી રવિ રતનસિંહ સોલંકી અને સોયબને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ પી.આઈ. પી.એ. દેકાવાડીયા, પીએસઆઇ પી.જી.પનારા સહિતનો પોલીસ સ્ટાફ રોકાયેલો હતો.