હળવદ તાલુકાના સુંદરગઢ ગામે સરકારી જમીન પર ચરાડવાના રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટને ફુલછોડ ઉછેરવા માટે 10 એકર જમીન શરતોને આધીન આપવામાં આવી હતી. જે જમીનમાં સિવાય બાજુમાં રહેલા 8 એકર જેટલો ખરાબાની જમીન પર કબજો જમાવી દેતા સુંદરગઢ ગ્રામ પંચાયત દ્વારા જમીન ખાલી કરવા માટે મામલતદારને ગુહાર લગાવવામાં આવી હતી. જે મામલે હળવદ મામલતદારે 8 એકર જમીન તેમજ એક વર્ષના તેના ભાડા પટે 17483 રૂપિયા વસૂલ કરવાનો હળવદ મામલતદારે હુકમ કર્યો છે.
આ બનાવની મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ ચરાડવાને 10 એકર જમીન ફુલછોડના ઉછેર માટે આપવામાં આવી હતી. જેમાં અન્ય 8 એકર જેટલી જમીન પર રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કબજો જમાવી દેતા સુંદરગઢ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતના હેતુ માટે જમીન ખાલી કરવા માટે મામલતદારને અરજી કરવામાં આવી હતી. જેમાં આશરે 8 એકર જેટલી જમીનમાં દબાણ કરતા એક એકરનો જંત્રીના એક ટકા લેખે દંડ કરવાની જોગવાઈ મુજબ સર્વે નંબર 528 પૈકી જંત્રીના ઉલ્લેખ ના હોય અને ગામની વધુમાં વધુ પીયત જંત્રી 54 રૂપિયા થાય છે તે મુજબ દબાણવાળી જમીનનું દબાણ આશરે એક વર્ષ જમીન મહેસૂલ ઉપકરો તથા જરૂરી દંડ વસૂલ લેવા તથા દબાણ ખુલ્લુ કરાવવા માટે હળવદ મામલતદાર એન.એસ.ભાટી દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં આઠ ગુંઠાના દંડ પેટે રકમ એક વર્ષની 17483 દંડ પેટે લેવા તેમજ દબાણ ખુલ્લુ કરવાનો હુકમ મામલતદાર દ્વારા કરવામાં આવ્યો છે.