આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિતે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા-અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને અલગ-અલગ 50 સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ 2.0″ અંતર્ગત વિવિધ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ટંકારામાં પણ ગઈકાલે ટંકારા શૈક્ષણિક અને કર્મચારી પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્તદાન મહાદાનના સૂત્રને સાકાર કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી તેમજ ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવા માટે ટંકારા શૈક્ષણિક અને કર્મચારી પરિવાર દ્વારા 16 સપ્ટેમ્બર, 2025ના મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તમામ વર્ગો અને સામાજિક સંસ્થાના 135 થી વધુ રક્ત દાતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાંથી 113 બોટલ રક્ત એકત્રિત કર્યુ હતું. ટંકારા તાલુકામાં સંકલન સમિતિ (સંયુક્ત મોરચા)ના નેજા હેઠળ ઓરપેટ કન્યા વિદ્યાલય, ટંકારા ખાતે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કર્મચારીઓ, રાજકીય આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના વિવિધ વર્ગો અને સામાજિક સંસ્થાઓએ સક્રિય ભાગીદારી દર્શાવી હતી. જેના કારણે આ કેમ્પ અત્યંત ઉત્સાહપૂર્ણ અને સફળ રહ્યો હતો