ટંકારા, તા. 11 ઓગસ્ટ 2025: ગુજરાતમાં ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે હવામાન નિષ્ણાત કિશોર ભાડજા દ્વારા આગામી દિવસો માટે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, જન્માષ્ટમી સુધી હળવા ઝાપટા બાદ 17 ઓગસ્ટથી ચોમાસું ધીમે ધીમે જામવાની શરૂઆત થશે અને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં બહબહાટી વરસાદની શક્યતા છે.
કિશોર ભાડજા, જેઓ નેસડા (ખાનપર), તા. ટંકારા, જિ. મોરબીના રહેવાસી છે, તેમણે આકાશ દર્શનની પરંપરા અને અનુભવના આધારે આ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, સૂર્ય 16 ઓગસ્ટ 2025ની રાત્રે 1:54 કલાકે મધા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં હશે, જેનું વાહન દેડકો છે. આ સમયથી વરસાદી વાતાવરણ બંધાવાની શરૂઆત થશે. 17 ઓગસ્ટથી ચોમાસું આગળ વધશે.
આગળ જણાવતાં તેમણે કહ્યું કે, 30 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 21:45 કલાકે સૂર્ય પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હશે, જેનું વાહન ભેંસ છે. ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 15:42 કલાકે સૂર્ય ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હશે, જેનું વાહન શિયાળ છે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને પાંચમા નોરતા સુધી વરસાદની પુરે પુરી સંભાવના છે, જે શિયાળુ વાવેતર માટે પૂરતું પાણી પૂરું પાડશે.