દોષિતો સામે ત્વરિત કાર્યવાહી કરવા એસપીને જાણ કરાઈ
ટંકારા : મોરબી જિલ્લામાં આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા શાંતિપૂર્ણ મતદાનના વાતાવરણને ડહોળતી એક ઘટના ટંકારાના દેવીપુજકવાસમાં સામે આવી હતી. જેમાં કોંગ્રેસના જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારના નાના ભાઈને કોઈ સાથે બોલાચાલી થયા બાદ માથામાં ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે કોંગ્રેસના ધારાસભ્ય તેમજ ઇજાગ્રસ્ત યુવકના મોટાભાઈ તેમજ કોંગ્રેસના કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જોકે વાયુવેગે આ ઘટનાની જાણ સમગ્ર રાજકીય આલમમાં થતાં જ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પણ ત્વરિત પ્રતિક્રિયા આપી હતી. એક ઓડિયો ક્લિપ રિલીઝ કરીને સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત ઘટના વખોડવા લાયક છે અને લોકશાહીના મહાપર્વમાં આવી ઘટનાને ગુજરાતમાં કોઈ કાળે ચલાવી ન લેવાય.
આ ઘટના પાછળ જવાબદાર જે કોઇપણ વ્યક્તિઓ હોય તેમને કાનૂની રાહે સજા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ મોરબી ડીએસપીને ટેલિફોનિક સૂચના આપી હતી અને અત્યાર સુધી જે પ્રકારે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે એ જ પ્રકારે લોકશાહીનું મહાપર્વ ઊજવવાની અને લોકશાહીને વધુ મજબૂત કરવા માટેનો મોહનભાઇ કુંડારીયાએ ઓડિયો ક્લિપમાં સંદેશ આપ્યો હતો.